છોટાઉદેપુર : છોટાઉદેપુર તાલુકામાં આવેલ પુનિયાવાટ ગામ ખાતે પટેલ ફળીયા તરફ જતા એક રેલવે ફાટક આવેલ છે. જ્યાં લોકોને અવાર જવર અને વાહનોને પસાર થવા ગરનાળુ બનાવ્યું છે, પરંતુ ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ રહેતા માર્ગ ઉપર આવતા ગામના લોકોને તથા કોલેજ, શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીના નિકાલ માટે કોઈ વ્યવથા ન હોય જેથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે.

પુનીયાંવાટના પટેલ ફળીયા જતા માર્ગ ઉપર મોડેલ સ્કૂલ પણ આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અને શિક્ષકોનો સ્ટાફ પણ આજ રસ્તે સ્કૂલમાં જતો હોય છે. જેઓને ગરનાળામાં પાણી ભરાઈ રહેતા અવર જવર કરવામાં ભારે તકલીફનો સામનો કરવો પડે છે. જ્યારે વધુ વરસાદ હોય ત્યારે રાહદારીઓની શુ હાલત થતી હશે. જે વિચારવા જેવી બાબત છે.

આ માર્ગ એકલબારા ગામ ખાતે બનાવેલી જિલ્લાની મુખ્ય આરટીઓ કચેરીને મળે છે. વહેલા પહોંચવાના હેતુથી જિલ્લાની પ્રજા અવર જવર અર્થે આ રસ્તો પસંદ કરે છે. પરંતુ ગરનાળામાં પાણી ભરાઈ રહેવાથી ભારે મુશ્કેલીમાં મુકાય જાય છે. જેથી વહીવટીતંત્ર વહેલી તકે ગરનાળામાં ભરાઈ રહેતા પાણીનો કાયમી નિકાલ કરે તેમ પ્રજાની માંગ છે.