વલસાડ: ગતરોજ વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રે દ્વારા જિલ્લામાં કોઈ પણ પ્રકારની આપત્તિ સમયે બચાવ કામગીરી, પ્રાથમિક સારવાર, રાહત કામગીરી કઇ રીતે કરવી તેની જાણકારી મળી રહે તે માટે NDRFના સહયોગથી જિલ્લાના ગ્રામ્ય તાલુકા કક્ષાએ તેમજ શાળા કોલેજો જેવા વિવિધ સ્થળોએ ૨૦ સપ્ટેમ્બરથી ૪ ઓક્ટોબર ૨૦૨૧ સુધી જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
Decision Newsએ વલસાડ માહિતી બ્યુરોમાંથી મેળવેલી માહિતી મુજબ વલસાડ તાલુકાની નવેરા કેન્દ્ર પ્રાથમિક શાળામાં NDRF દ્વારા પ્રત્યક્ષ નિદર્શન મારફત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. NDRFના સબ ઇન્સ્પેકટર વિજય સીંઘે NDRFની પ્રાથમિક માહિતી આપતાં જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિ વાવાઝોડું, ભુકંપ, આગ લાગવી જેવી કોઈ પણ પ્રકારની આપત્તિ એ એક એવી ઘટના છે જે અચાનક આવી પડે છે. જેનો સામનો કઈ રીતે કરવો, સ્વયં અને અન્યનો બચાવ કઈ રીતે કરવો આ અંગેની જાણકારી હોવી અનિવાર્ય છે.
નવેરાના સરપંચ મનોજભાઈએ જણાવ્યું હતું કે, કુદરતી આપત્તિ સામે લોકોને બચાવવા ૨૪ કલાક કાર્યરત NDRFની ટીમ આપત્તિકાળમાં કદાચ સમયસર ન પહોંચી શકે ત્યારે આપણે સ્વયં કેવી રીતે બચાવ કરી શકીએ તે માટે NDRF તરફથી ઉપયોગી જાણકારી મળી છે, જે ભવિષ્યમાં આપણને અવશ્ય ઉપયોગી નીવડશે.
શાળાના આચાર્ય દર્શનાબેને ગ્રામજનોને NDRFને આપત્તિ સમયે બચાવ વિષેની ઉપયોગી જાણકારી આપવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં NDRFના સદસ્યો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ, આંગણવાડીની બહેનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.