સુરત: ચોમાસાની શરૂઆતની સાથે જ મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા મચ્છરો દ્વારા ફેલાતા વાહકજન્ય રોગોનું પ્રમાણ મોટી સંખ્યામાં વધી જાય છે. જેને અનુલક્ષીને સુરત જિલ્લામાં વાહકજન્ય રોગોનું પ્રમાણ વધે નહીં તે માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં ‘મેગા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ’ની કામગીરી કરવામાં આવી હતી.

Decision Newsએ માહિતી બ્યુરો સુરત પરથી મેળવેલ માહિતી પ્રમાણે સુરત જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા કુલ ૪,૦૦,૧૦૩ વસ્તી અંતર્ગત ૮૩,૩૨૧ ઘરોને આવરી લેવા ૯૭૪ ટીમો કાર્યરત કરાઈ હતી. જેમાં ૮૧ સુપરવાઈઝરોના માર્ગદર્શન હેઠળ ડોર ટુ ડોર મુલાકાત, તાવના કેસોની નોંધણી, ઘરોમાં મચ્છર ઉત્પત્તિસ્થાનો શોધીને તેના નિવારણ અને પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. ટીમો દ્વારા ૨,૦૮,૨૨૯ પાત્રોની ચકાસણી કરીને મચ્છરોનું ઉત્પત્તિસ્થાન ધરાવતા ૧,૩૦૨ પાત્રોને યોગ્ય સફાઇ દ્વારા સલામત બનાવવાની સાથે ૧,૦૮૨ ઘરોમાં મળી આવેલા મચ્છરોના ઉત્પત્તિસ્થાનોને દૂર કરવામાં આવ્યા હતાં.

જિલ્લાના ૧,૪૨૮ લોકોના લોહીના નમુના તેમજ RDT (મલેરિયા)ની ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવીના વડપણ અને માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હસમુખભાઈ ચૌધરી તેમજ ઈ. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રશાંત સેલરના સહયોગથી ડોર ટુ ડોર મુલાકાત લઈને લોકોમાં જાગૃત્તિ કેળવવા અને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા સાથે તકેદારીના પગલાં અંગે પાયાની જાણકારી આપવામાં આવી હતી.