આહવા: આજરોજ સરકારશ્રીની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી સુપેરે પહોંચાડી શકાય તે માટે, ડાંગ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપીન ગર્ગ એ સંબંધિત કર્મયોગીઓને એક છત નીચે લાવી, પરિણામલક્ષી કામગીરી બાબતે માર્ગદર્શન આપ્યુ હતુ.
ડાંગ માહિતી બ્યુરોમાંથી Decision News પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામા આરોગ્ય વિભાગ સહિતની અનેકવિધ વ્યક્તિગત યોજનાઓમા, ગ્રામ્ય કર્મચારીઓને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભો પહોંચાડવામા ઘણીવાર લાભાર્થીઓ પાસેથી જરૂરી દસ્તાવેજો મેળવવામા તકલીફનો સામનો કરવો પડતો હોય છે. આવા સંજોગોમા સાચા લાભાર્થીઓ ઘણીવાર યોગ્ય આધાર પુરાવા રજૂ નહિ કરી શકતા આવા લાભો મેળવી શકતા નથી.
આ પરિસ્થિતિના નિવારણ અર્થે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપીન ગર્ગ દ્વારા જિલ્લાના આરોગ્ય, આઈ.સી.ડી.એસ. સહિતના સંબંધિત વિભાગો સાથે, ગ્રામીણ વિસ્તારોમા કામ કરતા કર્મયોગીઓ સાથે, સ્વૈચ્છીક સંસ્થા આગાખાન ના નાગરિક મિત્રોને એક સાથે, એક છત નીચે એકત્ર કરી, પરસ્પર સંકલન અને સહયોગ સાથે પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોંચાડવા બાબતે માર્ગદર્શન પૂરું પડાયુ હતુ. ખાસ કરીને જનની સુરક્ષા યોજના, વ્હાલી દીકરી યોજના, લાભાર્થીઓના બેન્ક ખાતા ખોલવા જેવી બાબતે વિશેષ લક્ષ કેન્દ્રિત કરાયુ હતુ.
ડાંગ જિલ્લા પંચાયતના સભાખન્ડમા આયોજિત આ બેઠકમા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામીત, આઈ.સી.ડી.એસ. ના પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ભાવનાબેન જીડીયા, આગાખાન સંસ્થાના એરિયા મેનેજર શ્રી આર.કે. મહાજન, આહવાના પ્રોગ્રામ સૂચક શ્રી કીર્તિ પટેલ, સંસ્થાના કર્મચારીઓ, પંચાયત સ્તરે કામગીરી કરતા ૩૬ જેટલા નાગરિક મિત્રો, ૧૫ જેટલી આશા ફેસીલિટેટર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.