ડિસીઝન વિશેષ: ગતરોજથી આપણા વિસ્તારમાં ૧૦ દિવસ માટે ગણપતિજીનો ધાર્મિક પ્રસંગની ગામેગામ ઉજવણી થશે ત્યારે હજારો વર્ષથી ઘરે ઘરે અને કોઈ પણ શુભ પ્રસંગમાં જેની પ્રથમ પૂજા થાય છે એવા વિઘ્નહર્તા ગણપતિને ગામના ચોકમાં જાહેરમાં સ્થાપનનો આરંભ લોકમાન્ય નેતા બાલ ગંગાધર તિલક દ્વારા ઈ.સ.૧૮૯૩માં પૂણેમાં કરવામાં આવ્યો હતો.
ઈતિહાસ સાક્ષી પૂરે છે કે મહારાષ્ટ્રમાંથી ઉદ્ભવેલ આ ગણેશોત્સવને છત્રપતિ શિવાજી દ્વારા પણ ગણેશ ચતુર્થીની ઉજવણીનો ઉલ્લેખ છે અને ત્યારબાદ પેશ્વાઓ પણ ઉજવણી કરતાં થયા હતા પરંતુ, ભારતમાં ૧૮૫૭ના આઝાદી માટેના વિપ્લવ બાદ ચાલાક અંગ્રેજો ભારતના લોકો એકઠા થવા ન દેતાં હોવાથી તે સમયે લોક પ્રશ્નો અને સમસ્યાની ચર્ચા કરવા માટે લોકમાન્ય તિલકે ગણેશ ભક્તિની સાથે દેશભક્તિ વાતોનો પ્રચાર-પ્રસાર થાય એવા ઉદ્દેશ સાથે ઘરે ઘરે અને ચોકમાં ગણેશોત્સવ શરૂ કરાવ્યો હતો. કારણ કે અંગ્રેજો ભારતીય લોકોને ધાર્મિક કાર્યક્રમો માટે લોકો ભેગા પર કોઈ પાબંદી રાખી ન હતી અને આજે ગણેશોત્સવ એ પ્રથા ૧૨૫ વર્ષ વટાવી ચુકી છે.
એવું કહેવાય છે કે ૧૪મી સદીમાં એટલે કે આશરે ૭૦૦ વર્ષ પહેલા મહારાષ્ટ્રના પૂણે વિસ્તારમાં આવેલ મોરગાંવમાં મોરયા ગોસાવી નામના ગણપતિ દાદાના અનન્ય ભક્ત થઇ ગયા જે ગણેશભક્તિમાં ખુબ જ લીન રહેતા હતા તેમની પાસે દિવ્ય સિધ્ધિઓ પણ હતી માટે આજે પણ ગણેશોત્સવમાં ‘ગણપતિ બાપ્પા મોરયા ‘શબ્દોચ્ચાર લોકો ભાવ અને પ્રેમથી ઉચ્ચારે છે. ગણેશોત્સવનું બીજું પ્રચલિત વાક્ય છે ‘પૂઢચા વર્ષી લવકર’ આ ‘મરાઠી શબ્દો ગુજરાતી ભાષામાં અપભ્રશ થયા અને ગુજરાતી ગણેશજીના ભક્તો તેનો સીધો સાદો અર્થ કાઢીને ‘ગણપતિબાપ્પા આગલા વર્ષે ફરી પધારજો’ સુત્રો સાથે આજે પણ આ ગણપતિ ઉત્સવ ભકતો ધામધૂમથી મનાવવામાં આવે છે.