અમદાવાદ: ગતરોજ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત વિશ્વની મહિલાના હક અને અધિકારો સશક્તિકરણમાં અમુલ્ય યોગદાન આપનારા અને હાલમાં ગુજરાત વિદ્યાપીઠમાં નવી પેઢીના નવ યુવાનોમાં સંસ્કાર સિંચન કરનાર ઇલાબહેન ભટ્ટનો જન્મ દિવસ છે.
૭ મી સપ્ટેમ્બર ૧૯૩૩ના રોજ અમદાવાદમાં જન્મેલા ઇલાબેન ભટ્ટે ગુજરાત યુનિવર્સિટીમાંથી ઈ.સ. ૧૯૫૨માં બી.એ. કરી ઈ.સ. ૧૯૫૪માં કાયદાની ઉપાધી પ્રાપ્ત કરી. ઈ.સ. ૧૯૫૬માં અર્થશાસ્ત્રના અધ્યાપક પ્રો.રમેશ ભટ્ટ સાથે લગ્નગ્રંથી જોડાયા. ઇઝરાયલમાંથી લેબર એન્ડ કો-ઓપરેટીવનો ડીપ્લોમા મેળવી સરકારના લેબર ડિપાર્ટમેન્ટમાં કામગીરી કરી. ઈ.સ. ૧૯૫૫ થી ૧૯૫૯ દરમિયાન શ્રમજીવી બહેનોનું જે શોષણ થઈ રહ્યું તેની તરફ તેમનું ધ્યાન ગયું. આ બહેનોને જાગૃત કરીને તેમણે મદદ કરવાની, પગભર કરવાની ઈચ્છા તેમનામાં પ્રગટ થઈ અને તેમને જીવનની સાચી દિશા મળી ગઈ.
મહિલાઓને સામાજીક, શૈક્ષણિક અને આર્થિક સ્થાન આપી સાચા અર્થમાં મહિલાઓને સ્વાંવલંબી બનાવવામાં આવે તો જ મહિલાઓ ખરા અર્થમાં સ્વંતત્ર થઇ શકે. આવા ઉત્કૃષ્ટ વિચાર સાથે ઇલાબેન ભટ્ટે ૧૯૭૨માં સેલ્ફ એમ્પ્લોઈડ વુમન એસોસિએશન (SEWA) સંસ્થાની સ્થાપના કરી. જેઆજે સમગ્ર વિશ્વમાં જાણીતી છે. આ સેવાકાર્યોની કદર દેશ અને દુનિયાએ પણ કરી છે. સેવાના સ્થાપક, ગુજરાત યુનિવર્સિટીના કાઉન્સીલર, પદ્મશ્રી(૧૯૮૫), પદ્મભૂષણ(૧૯૮૬), ઇંદિરા ગાંધી શાંતિ પુરસ્કાર અને અન્ય કેટલાય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવેલ છે.