ઝઘડિયા: આદિવાસી ધારાસભ્ય છોટુ વસાવા દ્વારા રાજ્યની જંગલની જમીનો પરના બિનઅધિકૃત લોકો દ્વારા ગેરકાયદેે ઉભી કરેલ ખાણો તથા અન્ય દબાણો તાત્કાલિક દૂર કરવા પગલાં ભરવા અને ગુજરાત રેન્જની જંગલની જમીનની માપણી માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.

ધારાસભ્ય છોટુ વસાવા નોંધ્યા પ્રમાણે ગુજરાતની જંગલની જમીનો પર ઘણાં માથાભારે, સાંઠગાંઠ વાળા, ખાણ ઉદ્યોગના માલિકો, ઉદ્યોગપતિઓ, રિસોર્ટના માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે જંગલોના વૃક્ષોનું છેદન કરી કવોરી તેમજ રિસોર્ટ ખેતર અને વિલા જંગલની જમીનો પર બનાવેલ છે અને જંગલના કાયદાનો સરેઆમ ઉલ્લંઘન કરેલ છે. માઇનિંગથી પ્રકૃતિ, પર્યાવરણ, વન્ય પ્રાણીઓ, પક્ષીઓ, જળ, જમીન, જંગલ, પ્રાકૃતિક નિવાસમાં વસતા આદિવાસીઓને ભયંકર નુકસાન કરવામાં આવ્યું છે.

જો જંગલ જમીનનું અતિક્રમણ અટકે નહીં તો આવનારી પેઢી અને હાલની પેઢી જંગલના વૃક્ષોમાંથી મળતા ઓક્સિજન વગર તડપી તડપીને મોતના મુખમાં ધકેલાઈ જશે. વર્ષોથી ન થયેલી જંગલ જમીન માપણી ગુજરાત રેન્જએ તાત્કાલિક માપણી કરાવી આવા બિન અધિકૃત લોકોને દૂર કરી પર્યાવરણ બચાવવું જોઈએ.