કોરોના મહામારીમાં લોકડાઉન કરી સંપૂર્ણ ધંધા રોજગાર બંધ થયા હતા, ત્યારે લગ્ન પ્રસંગ પણ બંધ થતાં Dj, બેન્ડ પાર્ટી પણ બંધ કરવામાં આવ્યાં હતા, જોકે, કોરોના સંક્રમણ હાલ હળવું થયું છે. ગુજરાત સરકારે તમામ ધંધા રોજગારમાં હળવી છૂટછાટ આપી છે. ત્યારે શુભ પ્રસંગોમાં બેન્ડ અને ડી.જે સિસ્ટમ વગાડવાની મંજૂરી માટે અખિલ ગુજરાત બેન્ડ સંગઠને નર્મદા જિલ્લા કલેકટર, ભાજપ સાંસદ મનસુખ વસાવા અને નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવાને રજુઆત કરી હતી.

અખિલ ગુજરાત બેન્ડ સંગઠને આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં કુલ 120 થી વધુ બેન્ડ અને ડી.જે સિસ્ટમ છે, એક સિસ્ટમમાં 30 થી 40 લોકો કામ કરે છે તો એ જોતાં હાલ કોરોના કાળમાં 4000 થી વધુ લોકો બેકાર બની ગયા છે.

બેન્ડની મંજૂરી ન હોવાથી એ લોકો કુટુંબનું યોગ્ય રીતે ભરણ પોષણ કરી શકતા નથી. અમે પણ લોન લઈને સિસ્ટમ લાવ્યા છે, અમને 2 વર્ષમાં ઘણું નુકશાન થયું છે લોનના હપ્તા ભરવા પણ શક્ય નથી.જો સરકાર અમને શુભ પ્રસંગે બેન્ડ-ડી.જે સિસ્ટમ વગાડવાની મંજુરી આપે તો જ અમારું ભરણ પોષણ થાય એમ છે,સાથે સાથે અમે કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરીશું.

વધુમાં જણાવ્યું હતું કે સરકારે સ્કૂલ-કોલેજ તેમજ નાની મોટી કચેરીઓ અને સામાજીક પ્રસંગોમાં નિયમમુજબ પરમિશન આપી જ છે. જેથી અમને જો બેન્ડ, ડી.જે વગાડવાની પરમિશન આપવામાં આવે તો અમે અમારા કુટુંબનું ભરણપોષણ કરી શકીએ એમ છે. છેલ્લાં બે વર્ષથી આવકના અભાવે પરિવારો આર્થિક સંકળામણમાંથી પસાર થઇ રહ્યાં હોવાની વેદના તેમણે વ્યક્ત કરી હતી