દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આજે એટલે શુક્રવારના રોજ બોલીવૂડ અભિનેતા સોનુ સૂદ સાથે મુલાકાત કરી અને તેમને મેન્ટર કાર્યક્રમના બ્રાન્ડ ઍમ્બેસેડર બનાવવાની ઘોષણા કરી છે, મુલાકાત બાદ પ્રેસ કૉન્ફરન્સમાં કેજરીવાલે કહ્યું કે સોનુ સૂદ દરેકની મદદ માટે પહોંચે છે અને દેશ માટે પ્રેરણા છે.

પ્રેસવાર્તામાં પૂછવામાં આવેલ સવાલ, શું સોનુ સૂદ રાજકારણમાં જોડાઈ રહ્યા છે? આ સવાલના જવાબમાં સોનુ સૂદે કહ્યું, કંઈ પણ રાજકીય નથી. બાળકોના ભવિષ્યનો મુદ્દો રાજકારણથી પણ મોટો છે. મને રાજકારણમાં જોડાવાનો મોકો મળતો આવ્યો છે પણ મને રસ નથી. મારો એવો કોઈ ઇરાદો નથી.

જાણકારોનું માનવું છે કે, આવતા વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પંજાબ પણ તે રાજ્યોમાંનું એક છે. આમ આદમી પાર્ટી પંજાબમાં શક્યતાઓ શોધી રહી છે. આ સમયે સીએમ કેજરીવાલ પૂર્વ મંત્રી અને એસએડી નેતા સેવાસિંહ સેખવાંને પણ મળ્યા હતા. આમ આદમી પાર્ટી પંજાબમાં મોટો ચહેરો શોધી રહ્યા છે. તો કહી શકાય કે સોનું સૂદની મુલાકત રાજકીય હોઈ શકે!