નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની રેલ્વે સ્ટેશન સામે એકતા દ્વાર પાસે પોતાની જમીન સંપાદન થતા જમીન વિહોણા બનેલા આદિવાસીઓ લારી ગલ્લા, દુકાન ચલાવી પોતાની રોજી રોટી ચલાવી રહ્યા હતા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના તાબા હેઠળના નાયબ મામલતદાર પોલીસ બંદોબસ્ત સાથે દુકાનો હટાવવાની કામગીરીને લઈ ઘટના સ્થળ પર આવ્યા હતા, જેને લઈને દુકાનદારો તથા સત્તામંડળના અધિકારી વચ્ચે શાબ્દિક બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા, કેવડીયા, નવાગામ લીંબડી, વાગડીયા વિસ્તારમાં ભૂતકાળમાં લારી ગલ્લા હટાવતા ઘર્ષણ દ્રશ્યો સર્જાયા છે

કેવડીયાથી ગરુડેશ્વર મુખ્ય રોડને અડીને આવેલા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અન્ય પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર સ્થાનિકોને રોજગારી પણ મળી નથી એવા લોકો લારી ગલ્લા ચલાવીને રોજી રોટી મેળવે છે પરંતું અચાનક કોઈ પણ સુચના નોટીસ આપ્યા વગર દુકાનો હટાવતા વિવાદ થયો હતો. સ્થાનિકો પાસે જમીન ગુમાવ્યાનું અને બેરોજગારીના દુઃખની સાથે હવે તંત્રએ ધંધો કરવા દેવાની મનાઈ ફરમાવતા રોષ ફેલાયો છે.

કોરોના કાળ બાદ છૂટ છાટ મળતા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના તમામ પ્રોજેક્ટો ખુલ્લા કરતા દર શની રવિની હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી સ્થાનિક આદિવાસી લોકો કેવડિયા, ગભાણા, વાગડીયા સહિતના ગામોના લોકો સ્ટેચ્યુના મુખ્ય માર્ગ પર ચા-નાસ્તા, પડીકાની લારીઓ ગોઠવી ધંધો કરવા લાગ્યા હતા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના આધિકારીઓ ગરુડેશ્વર મામલતદારે સ્થાનિક સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળની પોલીસ અને નર્મદા પોલીસ સાથે રાખી ગભાણાથી કેવડિયા પોલીસ સ્ટેશન સુધી કોઈને નડતર રૂપ ન બની ધંધો કરતા 20 જેટલા લોકોના લારી ગલ્લા હટાવી લેવાતા રોજગારી છીનવાઈ ગઈ. સ્થાનિકો તંત્રના અધિકારીઓને અનેક રજૂઆતો કરી છતાં અધિકારીઓ એક ના બે ન થયા.

સ્થાનિકોનું કહેવું છે કે જમીન સંપાદન કરી ત્યારે કહેતા હતા કે પ્રવાસન ધામ બનશે ત્યારે સ્થાનિક લોકોને માટે રોજગારીના દ્વાર ખુલશે, જેમાં નાની મોટી દૂકાનો, હોટલ, ચાની લારી ચલાવી રોજગારી મેળવી શકાશે પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ છે આજે સ્થાનિક લોકોના લારી ગલ્લા હટાવી બતાવેલા સપના ચકનાચૂર થઈ ગયા છે લોકોની જમીન તો ગઈ હવે લારી ગલ્લા હટાવી અમને રસ્તા પર ભીખ માંગતા કરવા માગે છે સત્તા મંડળ.

જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના અધિકારીઓએ કહ્યું કે પરમિશન વગર તમારાથી કશું જ ન કરી શકાય, દરમિયાન દુકાનદારો અને અધિકારીઓ વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું હતું. ઉલ્લેખનીય છે કે દબાણના નામે ગરીબ લોકોના લારી ગલ્લા હટાવી શું કરવા માંગે છે આ સમયે લારી ગલ્લા હટાવી માલસામાન બગડ્યો સાથે રોજી રોટી પણ છીનવાઈ જતા શું સત્તા મંડળ પાસે પરમિશન માગશે તો પરમિશન આપશે સ્થાનિક આદિવાસીઓને લારી ગલ્લા ચલાવવાની??

નર્મદા જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેન દિનેશ તડવીએ જણાવ્યું હતું કે સત્તા મંડળના જોરે સ્થાનિક આદિવાસીઓ સાથે અન્યાય થાય છે ક્યાં છે સૌનો સાથ સૌનો વિકાસ, જો સ્થાનિક આદિવાસીઓ પોતાની માંગ મુદ્દે રસ્તા પર ઉતરશે તો મારે પણ એમની પડખે રહેવું જ પડશે નીતિ વિષયક પ્રશ્નો સરકાર હલ કરશે પણ રોજગારીને લગતા પ્રશ્નો સ્થાનિક કક્ષાએ હલ કરવા જોઈએ જેમ નગરપાલિકા-મહાનગરપાલિકા કરે છે એમ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં પણ લારી ગલ્લા વાળાઓ પાસે રોજે રોજનું ભાડું વસુલી પાસ ફડાય તો સ્થાનિકોને રોજગારી પણ મળશે અને સત્તા મંડળને પણ આવક થશે, રોજગારી અને ધંધો કરવો એ અમારો હક છે મારી સરકાર સમક્ષ માંગ છે કે સરકાર સાથે પેકેજ સુધારા વધારા માટે વાત ચિત ચાલુ છે નિણર્ય ન આવે ત્યાં સુધી લોકોને થતી કનડગત બંધ થવી જોઈએ, માનસિક આઘાતમાં લોકો જીવી રહ્યા છે જમીનો ગુમાવનાર પરિવારોને રોજગારી આપો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે PM મોદીએ જાહેર મંચ પરથી કહ્યુ હતુ કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળવા દેશ-વિદેશથી પ્રવાસીઓ આવશે એટલે હજારો સ્થાનિક આદિવાસીઓને રોજગારી મળશે, સ્થાનિક આદિવાસીઓ પ્રવાસીઓને દેશી રોટલા અને શાક જમાડીને પણ પોતાનું જીવન ધોરણ ગુજારી શકશે તો બીજી બાજુ સ્થાનિકો ધંધો કરી રહ્યાં છે એમને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના અધિકારીઓ હટાવી કેમ રહ્યા છે?? આ મુશ્કેલીના સમયે આદિવાસીઓનું કોણ?? શું સત્તા મંડળ સાચું કે PM મોદીનું ભાષણ એ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે.