કેરળ રાજ્યમાં બે દિવસમાં કોરોનાના 22 હજારથી વધારે કેસ નોંધાયા છે. આખા દેશમાં આવી રહેલા 43 હજાર કેસમાંથી અડધા કેરળમાં છે. આટલુ જ નહી વર્તમાન સમયમાં 4 લાખ એક્ટિવ કેસ છે, જેમાં 1.5 લાખ સક્રિય કેસ કેરળમાં છે. આ સ્થિતિને જોતા કેરળની લેફ્ટ સરકારે 31 જુલાઇ અને 1 ઓગસ્ટે પૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે એક છ સભ્યોની ટીમ કેરળ મદદ માટે મોકલી છે.

પશ્ચિમ બંગાળ સરકારે કેટલીક છુટ સાથે રાજ્યમાં કોરોના પ્રતિબંધોને 15 ઓગસ્ટ સુધી વધારી દીધા છે. 31 જુલાઇથી ઇનડોર સ્થળોમાં બેસવાની 50 % ક્ષમતા સાથે સરકારી કાર્યક્રમોની પરવાનગી હશે. જોકે, નાઇટ કરર્ફ્યૂ રાત્રે 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી લાગુ રહેશે.

આ પહેલા કેન્દ્ર સરકારે પણ વર્તમાન કોરોના વાયરસ ગાઇડલાઇન્સને 31 ઓગસ્ટ સુધી વધારી દીધી છે. સાથે જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તહેવારને ધ્યાનમાં રાખતા કડક ચેતવણી પણ આપવામાં આવી છે. જ્યા પોઝિટિવિટી રેટ સતત વધી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ પોતાના પત્રમાં કહ્યુ કે કોવિડ-19 પ્રોટોકોલ પ્રત્યે બિન જવાબદાર વલણ અપનાવવાની જરૂર નથી. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે તહેવારો સમયે ભીડ ધરાવતા વિસ્તારમાં કોરોનાના નિયમનું પાલન કરવુ સૌથી જરૂરી છે.

કેન્દ્રએ તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને કહ્યુ છે કે તે આઇસીએમઆરની સલાહ અનુસાર સીરો સર્વે કરે. સ્થાનિક સ્તર પર સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયોને તૈયાર કરવા માટે આવુ કહેવામાં આવ્યુ છે. સીરો પ્રીવેલેન્સને લઇને જિલ્લા-સ્તર પર ડેટા તૈયાર કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિવેદન અનુસાર, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા તમામ રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશોના વધારાના મુખ્ય સચિવ, સચિવ (સ્વાસ્થ્ય)ને લખવામાં આવેલા એક પત્રમાં આ આદેશ આપવામાં આવ્યા છે.