ગુજરાત: આજે ગુજરાતી પત્રકારત્વ 200માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. 1લી જુલાઈ 1822ના દિવસે ‘મુંબઈ સમાચાર’ની શરૃઆત થઈ હતી. પહેલી જુલાઈ 1822માં મુંબઈ સમાચારનો પ્રથમ અંક પ્રગટ થયો હતો અને મુંબઈ સમાચાર આજેય ચાલુ છે એટલુ જ નહી આજેય ચાલુ હોય એવુ એશિયાનું એ સૌથી જૂનું અખબાર છે.

ગુજરાતી પત્રકારત્વનો 200માં વર્ષમાં પ્રવેશ એ બેશક મોટી અને વૈશ્વિક સ્તરે નોંધ લેવી પડે એવી ઘટના છે. ગુજરાતી પત્રકારત્વનો આદ્ય ઇતિહાસ લખનારા ડો.રતન માર્શલે તેમના પુસ્તક ‘ગુજરાતી પત્રકારિત્વનો ઇતિહાસ’ માં નોંધે છે કે તા.૧૦મી જૂન ૧૮૨૨ને દિને ફરદુનજીએ પોતાના વર્તમાનપત્રની ‘મદેહનજર’ બહાર પાડી પત્રમાં શું શું વાનગી પીરસાશે અને એનું લવાજમ શું રખાશે એ એમાં વિસ્તારથી જણાવ્યું હતું.

ફરદુનજીના ગુજરાતી ન્યૂઝ પેપર શરૃ કરવાના વિચાર તે સમયના મુંબઈના ગવર્નર એલફિન્સ્ટનનો એમને ટેકો મળ્યો એટલે પછી ફરદુનજી મચી પડ્યા અને અખબાર માટે જોઈએ એવી બધી સુવિધાઓ જાત મહેનતથી વિકસાવવા લાગ્યા. ફરદુનજી પોતે તંત્રી બન્યા અને પોતાના હાથ નીચે ખબરપત્રીઓ, તરજુમો કરનારા વગેરેને રોક્યા. એ રીતે 1822ની પહેલી જુલાઈએ સોમવારે ‘શ્રી મુમબઈ શમાચાર’નો પ્રથમ અંક બહાર પડ્યો. બાદમાં નામ બદલીને મુંબઈ સમાચાર થયું.

શરૂમાં એ પત્ર દર અઠવાડિયે સોમવારે પ્રગટ થતું અને તેમાં પાંચ-છ પાનાનું વાંચન પીરસવામાં આવતું. સોમવાર તા.૨જી જાન્યુઆરી, ૧૮૩૨ સુધી એ મુજબ સાપ્તાહિક સ્વરૂપે પ્રગટ થયા પછી મંગળવાર તા. ૩જી જાન્યુઆરી, ૧૮૩૨થી તે દૈનિક બન્યું. દૈનિક થતાં તે એક જ પાનાનું રાખવામાં આવ્યું. ૧૮૯૦માં ‘મુંબઈ સમાચાર’ની ૧૮૦૦ પ્રત નીકળતી હતી., તે ૧૯૧૪માં વધીને ૫,૨૦૦ પોહચી ગઈ.

અખબારમાં પહેલાં અઢી પાનાં જાહેરખબરો પછી પરચુરણ ખબરો ‘શરકારી જાહેરનામું’ ‘બોમબે બજાર પરાઈશ કરેનટ’ ‘મુંમબઈ ગેજેટ’ રાજદ્વારી ખબરો, પરદેશની ખબરો, દેશાવરનાં ‘મહેશ્રુલ’ ખાતામાં થએલી ફેરબદલીની વીગત, ‘શ્રી મુમબઈની શરકારથી લશ્કર ખાતાંનાં અમલદારોને બાહેર જાવા શારૂ રજા મલી છે તેહની વીગત’, ‘શ્રી મુમબઈ મધે અંગરેજો આવેઆ’ તેમનાં નામ વગેરે, ‘શ્રી મુમબઈથી અંગરેજો ગીઆ’ તેમનાં નામ વગેરે ‘શ્રી મુમબઈ ખાતાનું મરતીઊક’, ‘શ્રી મુમબઈ મધે વાંહાંણો આવે  ‘શ્રી મુમબઈથી વાંહાંણો હંકરાઈ ગીઆ’, ‘જે જે વાંહાંણ અતરેથી ઉપડનાર છે તેહનો કોઠો’, ‘શ્રી ઈંગલંડથી વાંહાંણો આવનાર છે તેહની ટીપ, ‘શ્રી મુમબઈથી લાંબે દેશાવરો જાવા શારૂં શ્રી મુમબઈનાં બંદરમો વાંહાંણો ભરાએ છે તેહની ટીપ.’ ‘શ્રી મુમબઈનાં બંદ૨મોં વાંહાંણો લંગરવાના છે તેહની ટીપ,’શ્રી કલકત્તાની ખબર’ ‘શ્રી શંઈટ હીલેનાંની ખબર’ ‘શ્રી ઈઓરોપની ખબર’, ‘શ્રી ફરાંશનાં કારભારો’ આગલા અંકની બાબત આગળ ચાલુ-અપૂર્ણ. ‘તારીખ ૧૨મી ડીજેમબર શને ૧૮૩૦ને રવેઉને દીને શ્રી મુમબઈ મધે જનશોનો ભાવ હતો તેહની વિગત’ આ પ્રમાણેના સમાચારો-વિગતો પ્રકાશિત કરવામાં આવતી હતી.

ડો.રતન માર્શલના કહ્યા પ્રમાણે દશ વર્ષ સુધી ફરદુનજીએ ‘મુંબઈ સમાચાર’નું સુકાન સંભાળ્યું. 1832ની 13મી ઓગસ્ટે તેઓ છૂટા પડ્યા. એ પછી ફરદુનજીને સ્થાને તહેમુલજી રુસ્તમજી મિરઝાં ‘મુંબઈ સમાચાર’ના તંત્રી થયા. તેમના પછી કાવસજી હોરમસજી મામા, મહેરજી હોરમસજી મહેરજી વગેરે તંત્રીઓ બન્યા આજે મુંબઈના જાણીતા પારસી કામા પરિવાર અખબારનું સંચાલન કરે છે જ્યારે નિલેશ દવે તંત્રી તરીકે કાર્યરત છે. દેશમાં અનેક અખબારો ચાલુ થયા અને ઇતિહાસનો ભાગ બની ગયા પણ મુંબઈ સમાચાર બે સદી પછી પણ ચાલુ રહીને ખુદ નવો ઈતિહાસ બનાવ્યો છે.