ભરૂચ: ગતરોજ નવસારીના ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવેલી નર્સિંગ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં જ બેડની ચાદર કાપીને ગાળિયો બનાવ્યો અને તેને રૂમના પંખાને બાધી આત્મહત્યા કરી લેતાં કોલેજ સંકુલમાં દોડધામ મચી જવા પામી હતી.
મળતી માહિતી મુજબ નવસારીનો 19 વર્ષીય વિદ્યાર્થી હાર્દિક દિલીપ પટેલ ભરૂચમાં આવેલી સિવિલ હોસ્પિટલના સંકુલમાં નર્સિંગ કોલેજમાં બોયઝ હોસ્ટેલના રૂમ નંબર 107માં બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. હાલમાં જ હાર્દિક સાથે રહેતા રૂમમેટનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં તે રૂમમાં એકલો જ હતો. આ દરમિયાન સોમવારે બપોરે હાર્દિકે અગમ્ય કારણોસર તેના જ બેડની ચાદરની ત્રણ કિનારી કાતરથી કાપી એનો ગાળિયો બનાવી રૂમના પંખા લટકીને આત્માહત્યા કરી લીધી હતી, જોકે હાર્દિકનો બપોરના સમયે ક્લાસ હોવાથી તે નહીં આવતાં તેને ફોન કરતાં ફોન પણ રિસીવ નહિ કરતાં બે વિદ્યાર્થીને તેના રૂમમાં જોવા મોકલ્યા હતા, પરંતુ તેનો રૂમ અંદરથી બંધ હોવાને કારણે વિદ્યાર્થીઓએ તેની બારીમાંથી અંદર નજર કરતાં તે પંખા સાથે લટકતો જોવા મળ્યો તેથી ગભરાયેલા વિદ્યાર્થીઓએ આ બનાવ વિષે હોસ્ટેલ ઈન્ચાર્જને જાણ કરી અને ત્યાંથી ડિવિઝન પોલીસમાં જાણકારી આપવામાં આવી હતી.
બનાવની જાણ થતાં જ ડિવિઝન પોલીસ સ્થળ પર પોહચી હતી. પોલીસે મૃતકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આ બનાવના ઘટિત કારણો કયા હોય શકે તેના વિષે પોલીસે દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

