નવી દિલ્હી: આજરોજ સુપ્રીમ કોર્ટે સોમવારે કોરોના વાયરસના સંક્રમણથી મરનારા લોકોના પરિવારને 4 લાખ રૂપિયા ગ્રેસ રકમ આપવાની વિનંતી કરતી જનહિતની અરજી પર સુનાવણી કરી હતી. સરકારને મોકલેલી નોટિસમાં કોર્ટે કોવિડ-19થી મરનારા લોકોના મૃત્યુનું પ્રમાણપત્ર જાહેર કરવાને લઈ સમાન નીતિની માંગ કરતી અરજી મામલે સરકારને શું કોરોનાથી પીડિત લોકો માટે કોઈ એક સમાન પોલિસી છે એવો સવાલ કર્યો હતો.
મળેલી માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આ મુદ્દે નોટિસનો આવનારા 10 દિવસમાં જવાબની માંગણી કરી છે. આ જનહિત અરજીમાં એવી માંગણી કરવામાં આવી છે કે, કોર્ટ રાજ્ય સરકારોને નિર્દેશ આપે કે મૃત્યુના પ્રમાણપત્રમાં કે અન્ય સત્તાવાર દસ્તાવેજોમાં મૃત્યુના કારણ તરીકે કોરોના વાયરસ નોંધવામાં આવે. કેન્દ્રને કોવિડ-19થી મરનારા લોકોના મૃત્યુના પ્રમાણપત્ર જાહેર કરવા અંગેના ICMRના દિશા-નિર્દેશોની જાણકારી ઉપલબ્ધ કરાવવા નિર્દેશ કર્યો છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, જ્યાં સુધી કોઈ સત્તાવાર દસ્તાવેજ કે મૃત્યુનું પ્રમાણપત્ર જાહેર કરવા એક સમાન નીતિ નહીં હોય જેમાં એવું કહેવામાં આવ્યું હોય કે મૃત્યુનું કારણ કોવિડ હતું ત્યાં સુધી મૃતકના પરિવારજનો જો કોઈ એવી યોજના હોય તો તે અંતર્ગત વળતરનો દાવો નહીં કરી શકે. આ બાબતે કેન્દ્રએ પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહીને આગામી સુનાવણી 11મી જૂન રાખવામાં આવી છે.

