પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

ગુજરાત: ગુજરાતના સામાન્ય જન અને ખેડૂતોની જેમ છેલ્લા બે દિવસ આગાઉ ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે 2500 જેટલા મોટા ઇંટ ઉત્પાદકો અને 25000 જેટલા નાના ઇંટ ઉત્પાદકોને અંદાજિત રૂ.250 કરોડનું નુકશાન થવા પામ્યુ છે.

આ અંગે ફેડરેશનના પ્રમુખ દેવેન્દ્રભાઇ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, કોરોના મહામારીને લઇને ઇંટોના ભઠ્ઠામાં ઇંટોનું ઉત્પાદન કરવાની શરૂઆત બે મહિના મોડી થવા પામી હતી. જેને લઇને કુલ ઉત્પાદનનું કાચુ કામ માત્ર 40 ટકા જ થવા પામ્યુ હતું. હોળી અને લોકડાઉનને લઇને કામ કરતા મજુરો તેમના વતનથી પરત નહીં આવતા આવા મજુરોની અછતને લઇને ઇંટ ભઠ્ઠામાં કાચો બનેલ માલ પડી રહેલ હતો. જે તૌકતે વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે કરોડો કાચી ઇંટો પલળીને માટીમાં પરિવર્તિત થઇ જવા પામી હતી. તેમજ ઇંટ ભઠ્ઠામાં વરસાદને લઇને પાણી ભરાઇ જવાના કારણે સમગ્ર ઇંટ ઉદ્યોગ ઠપ્પ થઇ ગયા છે.

રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ અંગે તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોના પાકવીમાની જેમ ઇંટ ઉત્પાદકોને નુકશાનની સામે રક્ષણ મળે તેવી પોલીસી બનાવવા સરકારને વિનંતી કરી છે. આ બાબતે સરકાર શું પગલાં લે છે એ હવે આવનારો સમય જ બતાવશે.