વલસાડ: વર્તમાન સમયમાં ખુબજ ઝડપથી પ્રસરી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા એક બાજુ લોકોને સતત નિયમ પાલન માટે રાજ્ય સરકાર દ્વારા ફરજ પાડવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ ગતરોજ વલસાડ જિલ્લાના વાપી શહેરમાં બંગાળની ચૂંટણી બાદ ફાટી નીકળેલી હિંસાના વિરોધમાં ભાજપના કાર્યકરોના ધરણા કાર્યક્રમમાં સરેઆમ કોરોના ગાઈડલાઈન્સ ભંગ થયાના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર વલસાડ જિલ્લાના પારડી, ધરમપુર અને ભીલાડ સહિત અન્ય સ્થળોએ બંગાળ હિંસાના વિરોધમાં ભાજપના કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે 4 મે 2021ના રોજ 6 મેથી 12 મે સુધી આખા રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો, મેળાવડો પર પ્રતિબંધ હોવાનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે રાજ્યમાં હાલમાં ભાજપની સરકાર કાર્યરત છે અને આ મહામારીના સમયમાં ભાજપના જ કાર્યકર્તા રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા ધારા-ધોરણો અને કોરોના ગાઈડલાઈન્સનો ખુલ્લેઆમ ભંગ કરીને શું સાબિત કરવા માંગે છે. લોકોનું કહેવું છે કે શું રાજ્ય સરકારના આ નિયમ માત્ર સામાન્ય જનતા માટે જ બનાવ્યા હશે?  રાજ્ય સરકારની લાગુ કરવામાં આવેલી કોરોના ગાઇડલાઇનનો જિલ્લામાં ધરણાં યોજી કાર્યકર્તા સરકારના જ આદેશનો અનાદર કર્યો હતો.