અમદાવાદ: વર્તમાન સમયમાં રાજ્યમાં વધી રહેલા કોરોનાના કહેરને કારણે લોકોને પડતી હાલાકી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટોની અરજી દરમિયાન આજે રાજય સરકારે સ્વીકાર્યુ હતું કે રાજયમાં મેન પાવર, બેડ અને ઓક્સિજનની કમી છે.
આજે હાઇકોર્ટે રાજય સરકારની ઝાટકણી કાઢતા એવું જણાવ્યું હતું કે મહામારીમાં રાજયની સ્થિતિ ડરામણી છે આ સંજોગોમાં તમામ વસ્તુ માત્ર કાગળ ઉપર છે. વાસ્તવમાં એટલે કે ગ્રાઉન્ડ ઉપર કશુ નથી. હાઇકોર્ટે આજે રાજય સરકારને ફરી આડે હાથ લીધી હતી અને સરકાર ઉપર તડાપીટ બોલાવી હતી. હાઇકોર્ટે કહયું હતું કે અમે લોકોના જીવ બચાવવાની વાત કરીએ છીએ. મોતના આંકડાની વાત પછી કરશું. અત્યારે બ્રેક ધી ચેનની વાત કરો. લોકડાઉન મામલે તમારો શું મત છે?
મીડિયા સુત્રોના જણાવ્યા અનુસાર હાઇકોર્ટે એમ્બ્યુલન્સ મામલે પણ સરકારને ઘેરી હતી અને કહયું હતું કે એમ્બ્યુલન્સ મામલે તમારો સ્ટેન્ડ વિરોધાભાષ છે. ખાનગી વાહનના દર્દીઓને દાખલ કેમ નથી કરાતા? આવુ કેમ બની રહયું છે? હાઇકોર્ટે સરકારને પુછયું હતું કે અત્યારે તમારી તૈયારી શું છે? તમે માત્ર અમદાવાદની વાત કરો છો, પરંતુ રાજય માટે તમારો શું પ્લાન છે? ઓકિસજનની અછતને લઇને કેન્દ્ર સરકાર ઉપર દોષનો ટોપલો ઢોળવો એ યોગ્ય નથી. બધી હોસ્પીટલોમાં ઓકિસજનના પ્લાન્ટ તૈયાર કરાવવા કહેવામાં આવ્યું છે.

