આહવા: ગુજરાત રાજ્યમાં પર્યટન સ્થળ સાપુતારા ગિરિમથક સ્થિત સરકીટ હાઉસમાં ગતરોજ રાત્રીએ પોલીસે પાડેલી રેડ દરમિયાન દારૂની મહેફિલ અને જુગાર રમતાં પારડી ઉદવાડા અને મોતીવાડાના પાંચ ઇસમો ઝડપાયાની ઘટના પ્રકાશમાં આવી છે.
સ્થાનિક પોલીસ પાસેથી મળેલી વિગત અનુસાર દારૂ અને જુગાર રમતાં ઝડપાયેલા આરોપી પૈકી એક આરોપીએ અમેરિકા જવા પૂર્વે તેમના મિત્રોને સાપુતારામાં પાર્ટી આપવાનું આયોજન કર્યું હતું. દારૂ દમણથી લાવવામાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસે 4.63 લાખના મુદ્દામાલ કબજે લઇ એકને વોન્ટેડ જાહેર કરી દીધો છે.
ડાંગ જિલ્લાનાં એસપી રવીરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ પ્રોહીબિશન જુગાર ડ્રાઈવ અનુસંધાને ડાંગ જિલ્લાનાં એલસીબી પીએસઆઈ પી.એચ.મકવાણાની પોલીસ ટીમે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. ગતરોજ રાત્રે જુગાર પ્રોહીબિશનને ડામવા સર્ચ પ્રવૃત્તિ હાથ ધરી હતી. જે દરમ્યાન એલસીબી પોલીસની ટીમને સાપુતારા સર્કિટ હાઉસ ખાતેનાં રૂમ.ન.5નાં મહાલખંડમાં અમુક ઈસમો દારૂની મહેફિલ સાથે જુગાર રમવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે રેડ કરવામાં આવતા પાંચ ઇસમો દારૂની મહેફિલ માણતાં અને તીનપત્તીનો જુગાર રમતાં ઝડપાયા હતા.
મળેલા અહેવાલ પ્રમાણે આ મહેફીલમાં પ્રકાશભાઈ મણિલાલભાઈ પટેલ ઉ.48.રહે. ઝંડાચોક પાસે ઉદવાડા તા. પારડી જી વલસાડ, રાકેશભાઈ છીબુભાઈ પટેલ.ઉ.51.રે.ઝંડાચોક ઉદવાડા, ધર્મેશભાઈ ગુણવંતરાય દેસાઈ.ઉ.54 રે.પલસાણા, જીતેન્દ્રભાઈ ચુનીલાલ શાહ ઉ.60 રે.ઝંડાચોક ઉદવાડા, રમેશભાઈ હિરાભાઈ પટેલ.ઉ.65 રે.પલસાણા નાઓ દારૂની મહેફિલમાં હારજીતનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. જ્યારે આ ઈસમો સાથેનો છઠ્ઠો ઈસમ હેમંતભાઈ મોહનભાઇ પટેલ.રે મોતીવાડા તા.પારડી જે નાસી છૂટતા વોન્ટેડ જાહેર કર્યો હતો. આ રેડમાં કુલ 4,63,190નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે પોલીસની આગળની તપાસ હજુ કાર્યરત છે

