વ્યારા: તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સરેયા ગામની સીમમાં પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવતી એક ટ્રકના ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી દઈ સામેથી આવતી બે બાઇકને અડફેટે લીધા હતા.
મળતી માહિતી પ્રમાણે વ્યારા તાલુકાના કરંજવેલ ગામમાં તિલકી ફળિયામાં રહેતા રાહુલભાઈ અશોકભાઈ ગામીત ઉંમર 20 જે આજરોજ સોનગઢ પોતાના બીજા વર્ષના કોલેજના અભ્યાસક્રમ માટે પોતાની બાઇક નંબર (GJ 26K 8395) લઈને ગયો હતો કોલેજ પૂર્ણ કરી પરત ઘરે કરંજવેલ આવતી વેળાએ કાળમુખી ટ્રક ચાલકે તેની મોટરસાયકલને અકસ્માત કરી દેતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.
બીજી બાઈક ચાલક ખુરદી ગામે રહેતા શૈલેષભાઈ ગામીત અને મિત્ર મુકેશભાઈ ગામીત બનેવીનુ ચિખલડા ખાતે મોત નીપજયું હતું. તેઓ કોઈ સગાની મરણક્રિયામાં હાજરી આપવા શૈલેષભાઈ અને મુકેશભાઈ બાઇક (GJ 26 T 8084) લઈને ચિખલડા ગયા હતા. પરત ફરતા હતા ત્યાં સરેયાની સીમમાં ટ્રક ચાલકે બાઇકને અડફેટે લેતાં બાઇકચાલક મુકેશભાઈને હોસ્પિટલમાં લઈ જતી વેળા મોત નીપજ્યું હતુ, જ્યારે પાછળ બેઠેલા શૈલેષભાઈનું ઘટનાસ્થળે મોત થયુ હતુ.
સ્થાનિકોના લોકોના જણાવ્યા મુજબ ટ્રક ચાલકે દારુના નશામાં પુરપાટ ઝડપે હંકારી અકસ્માત કરતા રાહુલની મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાવી દેતા ટ્રક નજીકમાં ઝાડ સાથે અથડાઈ હતી જેના કચ્ચરઘાણ વળી ગયો હતો. બીજી તરફ મોટરસાયકલનું પણ આગળનું ટાયર તૂટી ગયુ હતુ. આ બનાવ બાદ લોકોમાં ખૂબ આક્રોશ વધી ગયો જેને લઇને વ્યારા પીઆઇ અને ટીમ સ્થળ પર સ્થાનિકોને શાંત પાડયા.
ટ્રકચાલક દારૂના નશામાં હોવાની ચર્ચા ગામલોકોએ ઉઠાવી હતી અને દારૂડિયા ચાલકને પકડવા માટે રજૂઆતો કરી હતી. ત્યારે વ્યારા પી.આઇ. રાકેશ પટેલએ ઘટના સ્થળે જઇ સ્થાનિકોની રજૂઆતો સાંભળીને ટ્રકચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.