વલસાડ: ગુજરાત ના હવામાનમાં ફેરફાર નોંધાતા આગામી દિવસોમાં વલસાડ સહિત રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ગુજરાત તરફ ફૂંકાતાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 19 ફેબ્રુઆરીના હળવો વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતમાં મોટા ભાગના હિસ્સામાં સૂકું વાતાવરણ રહેશે પરિણામે ઠંડીમાં ઘટાડો થશે, આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત દેખાય રહી છે. આ પછીના 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડીગ્રીનો વધારો જોવા મળી શકે પરંતુ વરસાદની શક્યતાને પગલે ખેડૂતોની ચિંતાજનક વાતાવરણ સર્જાય રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 21 ફેબ્રુઆરી સુધી અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળાં વાદળો ગુજરાતના કેટલાક ભાગોમાં આવવાથી માવઠું થવાની શક્યતા છે. વધુ ભેજવાળા વાદળો હશે તો વલસાડ, તાપી, સાપુતારા જેવા દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે. આ વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને કમોસમી વરસાદ થવાની શકયતા વ્યક્ત કરાઇ છે.