કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા કિસાનોની ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસા બાદ ગૃહ મંત્રાલયએ ઇમરજન્સી બેઠક બોલાવી છે. ખેડૂતો બેરિકેડ તોડીને લાલ કિલ્લા પર પહોંચી ગયા હતા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના ઘરે લગભગ 2 કલાક સુધી બેઠક ચાલી હતી અને આઈબી ડિરેક્ટર અને ગૃહ સચિવ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી, અનેક સંવેદનશીલ સ્થળોએ વધારાના સુરક્ષાદળો તૈનાત કરવા જણાવ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુપ્તચર એજન્સીઓને હજી પણ હિંસાની આશંકા છે.
દિલ્હીના સરહદી વિસ્તારોમાં સીઆરપીએફની 15 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ટ્રેક્ટર કૂચ દરમિયાન થયેલી હિંસા બાદ ગૃહમંત્રાલયે આ નિર્ણય લીધો છે. ખેડૂતોની ટ્રેક્ટર રેલી બાદ સિંઘુ બોર્ડર સહિતના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવાઇ છે. સિંઘુ બોર્ડર, ગાજીપુર બોર્ડર, મુકરબા ચોક, નાંગલોઇમાં રાત્રે 12 વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરાઇ છે.
દિલ્હીના અનેક મેટ્રો સ્ટેશનોના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ ખેડૂતોના બળવાના કારણે બંધ કરાયા છે. ડીએમઆરસી અનુસાર, લાલ કિલ્લો, ઇન્દ્રપ્રસ્થ, આઇટીઓ સહિત મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાયા છે. મહત્વનું છે કે પોલીસે લગભગ 90 મિનિટ સુધી ચાલેલી અફરાતફરી બાદ પ્રદર્શનકારી કિસાનોને લાલ કિલ્લા પરિસરથી હટાવી દીધા છે. કિસાન પોતાની ટ્રેક્ટર પરેડના નક્કી કરેલા માર્ગથી હટીને લાલ કિલ્લા પર પહોંચ્યા હતા. ત્યારબાદ પોલીસે પરિસર ખાલી કરાવવા માટે લાઠીચાર્જ કર્યો હતો.