દક્ષિણ ગુજરાતના વલસાડ અને ડાંગ જિલ્લાની, મહારાષ્ટ્રની સરહદને અડોઅડ વસેલા વારલી, કુંક્ણા, કોલચા, જેવી આદિવાસી જાતિઓમાં કનસરી (નાગલી) માતાની પુજા-અર્ચના વિશિષ્ટ રીતે થતી જોવા મળે છે.
૨૧મી સદીના આધુનિકયુગનો એક સમાજ આધુનિકીકરણ અને પશ્ચિમીકરણનું આંધળુ અનુકરણ કરી, પોતાની સંસ્કૃતિને ભુલતો રહ્યો છે. ત્યારે આજે પણ આદિવાસી સમાજ પોતાની આદિકાળથી પ્રચલિત પરંપરાને શિરો માન્ય ગણી તેને પોતાની સંસ્કૃતિના એક અભિન્ન અંગ તરીકે સ્વીકારી કનસરી પૂજા, પૂર્વજપૂજા, પ્રકૃતિપૂજા કરી જીવન જીવતો દ્રષ્ટિગોચર થાય છે.
આ સમાજ કનસરી (નાગલી) માતાની પૂજા-અર્ચના પરંપરાગત મૂલ્યોને આધિન કરતો હોય છે. કનસરી માતાને કુળદેવતાની સમકક્ષ ટોકરી (કરંડી) માં બિરાજમાન કરી, એવા આશયથી સ્થાપિત કરે છે કે, જેથી માતા કુટુંબના સભ્યોની દેખરેખ કરે, તેમજ એ કુટુંબને ધન-ધાન્યની ઊણપ ક્યારેય ન સાલવા દે. કનસરી માતાની પૂજા-વિધિ કરવા પાછળની ચોક્કસ પરંપરા અને માન્યતા છે. જે વર્ષે પાકની ઉપજ ઓછી આવે અથવા કોઈ કારણોસર પાક નિષ્ફળ જતા કનસરી માતા રીસાયા હોવાનું મનાય છે.
ખાસ આવુ વાતાવરણ ન સર્જાય તે માટે કનસરી માતાની પૂજા પરંપરાગત પધ્ધતિથી કરવાની હોય છે. આ પૂજા દિવાળી પછીના દિવસોમાં થતી હોય છે. પૂજા દરમિયાન બધુ અન્ન ખળામાં એકત્ર કરી અમુક નક્કી કરેલા દિવસે કનસરીની પૂજા-વિધિ કરાય છે. કનસરી માતાની પૂજા-વિધિ કરવા ઉત્સુક કુટુંબના વડીલો ચોમાસા થી શિયાળા સુધી (જુન થી જાન્યુઆરી) અમુક પ્રકારની ચીજવસ્તુ ખાતા નથી. જેમ કે લીલા શાકભાજી ( કાકડી ,આદુ,,ધાણા,લિમ્બુ ) નવા ધાન્ય (નવા વર્ષમાં લીધેલા પાકો) ઉપરાંત માંસાહાર, કેશ કર્તન અને સ્ત્રીથી વિશિષ્ટ અંતર રાખે છે. તેમજ કોઈ પણ પ્રકારની હિંસા કરતા નથી, અને લોકો સાથે ખરાબ વર્તન કરવાનું પણ ટાળે છે.
જ્યા સુધી કનસરી માતાની પૂજા-વિધિ ન થાય ત્યાં સુધી કુટુંબના વડીલ સભ્યો આવી બાબતોમાં ચુસ્તતા રાખતા જણાય છે. જે વડીલો આ સમયગાળામાં નિયમ બધ્ધતા પાળે છે, તેમનામાં માતાજી સહવાસ કરતી હોવાનું મનાય છે. વડીલો દ્વારા જો ચુસ્તતાનો ભંગ થાય તો કનસરી માતા કોપાયમાન થવાથી વડીલમાં પ્રવેશતી નથી, અને પૂજા-વિધિ દરમિયાન કુટુંબના અન્ય સભ્યોમાં પણ માતાજીનો સંચાર ન થવાનું માનવામાં આવે છે. માતાજી કોપાયમાન ન થવાના આશયની દઢ્તા પૂર્વક દરેક બાબતોને પાળવામાં આવે છે.
જે કુંટુબમાં કનસરીનો બગાડ થયો હોય, જેમ કે નાગલીના રોટલા ચૂલામા સળગી ગયા હોય, કાતો તેને ફેંકી દેવામાં આવેલા હોય, તેવા સંજોગોમાં કનસરીમાતા નિરાશ થઈ જવાને કારણે ખેતરમાં સારો પાક આવતો નથી. આવા સંજોગોમાં માતાને મનાવવા માટે ખાસ આ પૂજાનું વિધાન છે. કનસરી માતાની પૂજા-વિધિ ત્રણ દિવસ સુધી ચાલતી હોય છે. જે રીતે આદિવાસી સમાજ લગ્નની વિધી કરે બિલકુલ એ વિધિ મુજબ કનસરી માતાની પૂજા કરવામાં આવે છે. આ ત્રણેય દિવસ કુટુંબના દરેક સભ્ય વિશિષ્ટ પ્રકારનું જીવન જીવતા હોય છે.
પ્રથમ દિવસે ખળામાં કનસરી માતાની પૂજા વિધિના શ્રી ગણેશ કરવામાં આવે છે. એ પૂજા રાસ પૂજંન નામથી ઓળખાય છે. રાસ પૂજન બાદ માતા પીઠી ચડાવી નૈવેદ અર્પણ કરી, સંપૂર્ણ રાત્રીમાં ભગત દ્વારા કનસરી માતા ઉત્પતિની તેમજ તેમને મનાવવાની કથા કરવામાં આવે છે. કથાની અત્યંત કરુણતા અને રસપ્રદતાને લીધે, કનસરી માતા કોપાયમાન થયા હોય, તે કુટુંબના સભ્યો કથાનું શ્રવણ કરી ગદગદિત થઈ ઉઠે છે. અને કનસરી માતાને રીઝવવા અથાગ પ્રયત્ન શરૂ કરી દે છે. આ સંપૂર્ણ વિધિ રાત્રીના સમયે કુટુંબના તેમજ ગામના અન્ય વડીલોની ઉપસ્થિતીમાં થાય છે.
વિધિના બીજા દિવસે સાયંકાળે કનસરી માતાને વરધોડે વધારંવામાં આવે છે. તે દરમિયાન અમુક પ્રકારની વસ્તુ સંતાડી મુકવાનો રીવાજ છે. વસ્તુને ભગત દ્વારા શોધ્યા બાદ જ અન્ય લોકો ધરે જાય છે. ત્યાં બાકી રહેલી કથા કરવામાં આવે છે, જેમા કુટુંબના વ્રતપાલીત વડીલમાં માતાજીનો સંચાર થાય છે. માતાજી સંચરણની સાથે જ કુટુંબથી દુર કોપાયમાન કનસરી માતાને મનાવવા તેમજ કુટુંબ પર આવી પડેલી આફતો દુર કરવા કનસરી માતાને પ્રાર્થના કરવામાં આવે છે. તે દરમિયાન આજુબાજુથી આવેલા સ્ત્રી-પુરુષોમાં પણ માતાજીનું સંચારણ થવાનું માનવામાં આવે છે.
ત્રીજા દિવસે પ્રાંત:કાળે કનસરી માતા, કુંટુબના દેવી-દેવતાઓ સહિત પૂર્વજોની મુર્તિઓને સ્નાન કરાવવામાં આવે છે. ત્યાર બાદ પૂજા-વિધિ સંપન્ન થયા પછી ટોપલીમાં તેમની નવી બેઠકો ગોઠવી પૂજા-વિધિ કરવામાં આવે છે. ક્નસરી માતાને પશુઓ સહીત દેશી દારુ (મદિરા) અર્પણ કરી, આનંદ ઉલ્લાસથી તમામ લોકો સમુહ ભોજનની મોજ માણી કુટુંબના સભ્યોને મળી છુટા પડે છે.
BY જાદવ રમેશ્ભાઈ.સી
સરકારી વિનયન કૉલેજ કપરાડા તા. કપરાડા જી. વલસાડ