મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં એક હોસ્પિટલના સિક ન્યૂબોર્ન કેર યૂનિટ (SNCU)માં આગ લાગવાના કારણે દસ બાળકોના મોત થયા છે. આ આગની ઘટના શુક્રવારે રાત્રે 2 વાગ્યાની આસપાસ ઘટી હતી. શૉર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

મળતી માહિતી મુજબ, હોસ્પિટલના સ્પેશિયલ ન્યૂબોર્ન યુનિટમાં જે સમયે આગ લાગી, ત્યારે ત્યાં 17 બાળકો દાખલ હતા. આગની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રેસ્ક્યૂ ઓપરેશન થકી 7 બાળકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. કરુણ મોતથી તેમના પરિવારજનો આઘાતમાં છે.

આ ઘટના અંગે જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જન પ્રમોદ ખાંદતેએ જણાવ્યું કે, રાત્રે 2 વાગ્યાની આસપાસ હોસ્પિટલના સિક ન્યૂ બોર્ન કેયર યુનિટમાં આગ લાગવાથી 10 બાળકોના મોત નીપજ્યા છે. જ્યારે 7 બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. તમામ નવજાતની ઉંમર એક મહિનાથી 3 મહિનાની વચ્ચે હતી.

હાલ આ ઘટનાને લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે સાથે વાત કરી છે. આ સાથે જ મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર અને પોલીસ સાથે પણ વાતચીત કરી છે. મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.