જમ્મુ અને કાશ્મીરના જિલ્લા વિકાસ પરિષદના પરિણામ આવી ગયા છે. પરિણામોમાં સાત પાર્ટીઓના બનેલા ગુપકાર ગઠબંધને સૌથી વધુ સીટો મેળવી છે. જ્યારે ભાજપે તો ઈતિહાસ રચ્યો છે જે સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી છે. અત્યાર સુધી મળેલા આંકડા મુજબ ગુપકાર ગેંગને 101 બેઠકો મળી છે. આ ગઠબંધન સાત પાર્ટીઓનું બનેલું છે. જેમાં નેશનલ કોન્ફરન્સ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી, પીપલ્સ કોન્ફરન્સ, CPI-CPIM, અવામી નેશનલ કોન્ફરન્સ અને જમ્મુ અને કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ સામેલ છે.
સૌથી મોટી વાત એ છે કે એકલા ભાજપના ફાળે 74 જેટલી ધરખમ બેઠકો ગઈ છે. નેશનલ કોન્ફરન્સને 67 બેઠકો મળી છે. પીડીપીને 27 બેઠકો જ્યારે કોંગ્રેસને 26 બેઠકો મળી છે. અપક્ષોએ આશ્ચર્યજનક રીતે 49 બેઠકો મેળવી છે. આ સિવાય જેકેએપીને 12, સીપીઆઈએમને 5, જેકેપીએમને 3 અને એપીપીને 2 બેઠકો મળી છે. બીએસપી અને પીડીએફના ફાળે પણ એક એક બેઠક ગઈ છે. આ ચૂંટણીમાં ભાજપે પહેલીવાર કાશ્મીરમાં પોતાનું ખાતું ખોલ્યું છે અને 3 બેઠકો મેળવી છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની આ પહેલી ચૂંટણી હતી. આઠ તબક્કામાં થયેલી જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીની શરૂઆત 28 નવેમ્બરે થઈ હતી. આ દરમિયાન કુલ 280 બેઠકો માટે મતદાન થયું. 280 બેઠકોમાંથી 140 બેઠકો જમ્મુનો ભાગ છે જ્યારે 140 બેઠકો કાશ્મીરના ફાળે છે. જમ્મુ વિસ્તારમાં અપેક્ષા મુજબ ભાજપ આગળ નીકળ્યો છે. પાર્ટીને 10માંથી 6 જિલ્લામાં બહુમત મળ્યું છે. પાર્ટી અહીં પોતાના ડીડીસી ચેરમેન બનાવશે. આ જિલ્લા છે જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર, ડોડા અને રેસાઈ.
કાશ્મીર ઘાટીમાં પણ કેટલાક પરિણામોએ ભાજપને હાસ્યની તક આપી છે. મુસ્લિમ બહુમતીવાળા કાશ્મીર ઘાટીમાં ભાજપે 3 બેઠકો મેળવી જે ઐતિહાસિક છે. આ સિટ છે શ્રીનગરની ખોનમોહ-2, જ્યાંથી ભાજપના એજાઝ હુસૈન જીત્યા છે. બાંદીપોરામાં એજાઝ અહેમદ ખાને જીત મેળવી છે જ્યારે પુલવામાના કાકપોરામાં મિન્હા લતીફ જીત્યા છે. મોડી રાત સુધી ચૂંટણી પંચે 241 બેઠકોના પરિણામો જાહેર કર્યા હતા.
કાશ્મીર ઘાટીમાં પહેલીવાર એવું બન્યું છે કે પીડીપી અને નેશનલ કોન્ફરન્સ વિરુદ્ધ ભાજપને જીત મળી છે. જીતથી ઉત્સાહિત ભાજપના મહાસચિવ વિબોધ ગુપ્તાએ કહ્યું કે ઘાટીના લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ડીસીઝન ન્યૂઝ સાથે. લાઇક, સેર અને ફોલો કરી શકો છો.