નવસારી: ખેરગામથી આછવણી, પાણીખડક અને માંડવખડક થઈને પીપલખેડ સુધીનો રાજ્ય ધોરી માર્ગ ઉપર વાહનોની અવર જવર વધતા તેમજ અકસ્માતનો ભય રહેતા લગભગ ૨૧ કિલોમીટરનો રસ્તો પહોળો કરવાની માંગણી લોકો દ્વારા કરવામાં આવી રહી છે. હાલમાં જોઈએ તો ખેરગામ અને વાંસદા તાલુકાને જોડતો ખેરગામથી પાણીખડક થઈને પીપલખેડ જતો રસ્તો નવો બન્યાના ઘણા વર્ષોથી બન્યો નથી.

હાલમાં આ રસ્તા ઉપરથી વાહનોની અવર જવર વધતા ગઈ છે તેથી સમયે-સમયે રસ્તા ઉપર અકસ્માતના પણ બનાવો બની રહ્યા એટલે લોકોમાં રસ્તો પહોળો બનાવવા માંગ ઉઠી છે. હાલમાં જ આછવણી ગામના ડેબરપાડા ફાટક પાસે બે બાઇક સામ-સામે ટકરાતા ત્રણ યુવાનના મોત નિપજ્યા હતા. બીજા જ દિવસે રૂઝવણી નર્સરી પાસે એક બાઇક ચાલક ઝાડ સાથે ટકરાતા તેનું મોત નીપજ્યું હોવાના સમાચાર આપણે જાણીએ છીએ.

નવસારીના ખેરગામ, ચીખલી અને વાંસદા તાલુકાના આ પટ્ટીના અનેક ગામના લોકો માટે અને નાસિક અને સાપુતારા રસ્તાને જોડતો માર્ગ હોવાથી એ તરફના વાહનો પણ અહીંથી અવર જવર થતી જોવા મળે છે.

આ રસ્તાને પહોળો બનાવી તેની નવિનીકરણ કરવા ધારાસભ્ય નરેશ પટેલે દ્વારા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. પોતાની માંગણી સંતોષવાની આશાથી ગ્રામવાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. આ રસ્તો બનશે તો આસપાસના ઘણા ગામના લોકોને પણ તેનો સીધો ફાયદો મળશે. આ રસ્તાની માંગણી વિશેનો લોકોના નિર્ણય પર હવે અમલ ક્યારે થશે એ જોવું રહ્યું