ફિલ્મ ‘બાહુબલી’ ફૅમ ડિરેક્ટર એસ એસ રાજમૌલિની આગામી ફિલ્મ ‘RRR’ રિલીઝ થાય તે પહેલાં જ વિવાદોમાં ઘેરાવામાં આવી ગઈ છે. તેલંગાણા ભાજપના નેતા બાંદી સંજયે ફિલ્મમાં ફ્રીડમ ફાઈટર કોમરામ ભીમના રિપ્રેઝેન્ટેશન પર સવાલ કરી રાજમૌલિને ધમકી આપી છે. અન્ય ભાજપ સાંસદ સોયમ બાપુએ પણ ફિલ્મ મેકરને ફિલ્મના એક સીનને લઈને ટિપ્પણી કરી છે.
થોડાક દિવસ પહેલા જ ફિલ્મમાંના જુનિયર NTRનો ફર્સ્ટ લુક શૅર થયો હતો. ફિલ્મમાં તે કોમરામ ભીમની ભૂમિકા ભજવી રહ્યો છે. રિલીઝ કરેલા લુકમાં જુનિયર NTR કુર્તા-પાયજામા તથા મુસ્લિમ ટોપીમાં જોવા મળ્યો હતો. તેલંગાણા ભાજપે ફ્રીડમ ફાઈટરની વેશભૂષા પર સવાલ કર્યો હતો.
ભાજપી નેતા બાંદી સંજયે આ સીનનો ઉલ્લેખ કરીને કહ્યું હતું, ‘રાજમૌલિએ સનસનાટી મચાવવા માટે કોમરામ ભીમને આ ટોપી પહેરાવી છે. શું આપણે તેને સ્વીકારીશું? ક્યારેય નહીં.’ તેમણે પોતાના ભાષણમાં ફિલ્મની રિલીઝમાં અવરોધ ઊભા કરવાની ધમકી પણ આપી હતી. અન્ય એક ભાજપના સાંસદ સોયમ બાપુએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘આદિવાસી નેતાને સુરમા, મુસ્લિમ ટોપી તથા કુર્તા-પાયજામામાં બતાવવા એ ખોટું છે. કોમરામ ભીમે નિઝામ શાસન વિરુદ્ધ લડાઈ લડી અને આદિવાસીઓના અધિકારો માટે પોતાના જીવનની કુરબાની આપી હતી. જો રાજમૌલિ ફિલ્મમાં જુનિયર NTRનો લુક બદલશે નહીં તો અમને થિયેટરને સળગાવવામાં કોઈ સંકોચ કરીશું નહિ.’
ઉલ્લેખનીય છે કે કોમરામ ભીમનો જન્મ 22 ઓક્ટોબર, 1901માં થયો હતો. તેમણે હૈદરાબાદને આઝાદ કરાવવા માટે અસફઝાહી રાજવંશ વિરુદ્ધ લડાઈ લડી હતી. તેમના પિતા આદિવાસીઓ માટે લડાઈ લડતા હતા અને નિઝામના અધિકારીઓએ તેમના મારી નાખ્યા હતા. આ સમયે કોમરામની ઉંમર 19 વર્ષની હતી.
ઓક્ટોબર 1940માં અસિફાબાદના જોડેઘાટ પર કોમરામની ભીમ સેના તથા નિઝામ-બ્રિટિશ સેના વચ્ચે ત્રણ દિવસની લડાઈ થઈ હતી. 27 ઓક્ટોબર, 1940ના રોજ માત્ર 39 વર્ષની ઉંમરમાં કોમરામ શહીદ થયા હતા. ગોંડ જાતિના આદિવાસી આજે પણ કોમરામ ભીમને પોતાના આરાધ્ય માને છે. તેલંગાણા સરકારે તેમના સન્માનમાં અસિફાબાદ જિલ્લાનું નામ કોમરામ ભીમ જિલ્લો કર્યું છે.
‘RRR’માં જુનિયર NTR ઉપરાંત રામ ચરણ, આલિયા ભટ્ટ, અજય દેવગન તથા શ્રિયા સરણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ આઠ જાન્યુઆરી, 2021ના રોજ રિલીઝ થશે. ફિલ્મ તેલુગુ, તમિળ, મલયાલમ, કન્નડ તથા હિંદીમાં આવશે. આ વિવાદ અંગે હવે શું નિર્ણય લેવાશે એ આવનારો સમય બતાવશે.