દેશના વડાપ્રધાન આગેવાની ધરાવતી કેન્દ્રીય પેનલે ઇન્ફોર્મેશન કમિશનરપદ માટે વરિષ્ઠ પત્રકાર શ્રી ઉદય માહુરકરની પસંદગી કરી છે. હાલમાં તેઓ ઇન્ડિયા ટુડે જૂથમાં ડેપ્યુટી એડિટર તરીકે ફરજ બજાવે છે. પત્રકારત્વ અને લેખન ક્ષેત્રે દીર્ઘ કારકિર્દી ધરાવતાં આ પત્રકાર સંઘ પરિવાર સાથે નજીકનો ધરોબો ધરાવતા હોવાનું માનવામાં આવી રહ્યું છે. સૌ જાણે છે કે શ્રી માહુરકરે વડા પ્રધાન મોદી પર ”મચિંગ વિથ અ બિલિયન અને સેન્ટર સ્ટેજઃ ઇનસાઇડ ધ નરેન્દ્ર મોદી” પુસ્તક પણ લખ્યું છે. જે બહોળી પ્રશંસા પામ્યું હતું.

    ઇંદોરમાં જન્મેલા શ્રી માહુરકરે તેમનું શિક્ષણ વડોદરામાં મેળવ્યું છે અને કારકિર્દીની શરૂઆત અમદાવાદ ખાતે ઇન્ડિયન એકસપ્રેસમાં સબ-એડિટર તરીકે કરી. જયારે વિદેશ સેવાના પૂર્વ અધિકારી યશવર્ધન સિન્હાની નવા ચીફ ઇર્ન્ફોમેશન કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. યશવર્ધન સિન્હા પહેલેથી જ માહિતી કમિશનર તરીકે કાર્યરત હતા અને કામગીરીમાં વરિષ્ઠ હોવાથી તેમના CIC પદે પસંદગી થઇ છે.