ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને હાર્ટ અટેક આવતાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. કેશુભાઈ પટેલને ફેફસા અને હૃદયની બીમારીના પગલે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલેખનીય કેશુભાઈ પટેલે તાજેતરમાં જ કોરોનાને મ્હાત આપી હતી. મોટી ઊંમર હોવા છતાં તેમણે કોરોનાને હરાવ્યો હતો અને એકદમ સ્વસ્થ થયા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નિધનને લઈને દુઃખ વ્યક્ત કર્યો છે. તેમણે કેશુબાને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, તેમના નિધનથી ગુજરાતને મોટી ખોટ પડી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
કેશુભાઈ પટેલનો જૂનાગઢના વિસાવદર ખાતે 24 જૂલાઇ 1928માં જન્મ થયો થયો હતો. 1945માં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પ્રચારકના રૂપમાં જોડાયા હતા. 1975માં ઇમરજન્સી દરમિયાન તેમને જેલમાં પણ જવું પડ્યું હતું. કેશુભાઈ પટેલ 1995 અને 1998થી 2001 દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી હતા. તેમજ તેઓ છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ 1980થી ભાજપના સભ્ય હતા.