કોંગ્રેસમાં ગુજરાતના ૬૦ જેટલા ધારાસભ્યો આઠે આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં મલ્ટીપલ સ્ટ્રાઈક કરશે. નવરાત્રિ બાદ ધારાસભ્યો મેદાનમાં ઉતરશે અને રણનીતિ મુજબ પાર્ટીના પ્રચારમાં જોડાશે. બુથ લેવલના પ્લાનિંગ સુધી કોંગ્રેસ પાર્ટી દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યુ હતુ કે પાર્ટીમાં પ્રત્યેક કાર્યકર્તાઓ અને દરેક મતદારો સુધી પહોંચવાની કોંગ્રેસની રણનીતિ મુજબ આ ધારાસભ્યો નવરાત્રિ બાદ જવાબદારી મુજબ સીટો પર જોવા મળશે. સ્થાનિક તાલુકા, જિલ્લા અને પ્રદેશના સિનિયર આગેવાનો પહેલેથી જ પ્રચારની કામગીરીમાં જોટાઈ ગયા છે. રાજ્યસભા ચૂંટણી વખતે ગદ્દારોએ પક્ષ પલ્ટો કર્યો હતો. ત્યારથી જ પાર્ટી સ્થાનિક કક્ષાએ કામગીરી શરૂ કરી હતી.
પહેલા તબક્કાની જિલ્લા કારોબારી વિધાનસભા બેઠક પર કરાઇ હતી. સિનિયર નેતાઓ દ્વારા પ્રચાર પણ કરાયો હતો હવે ત્રીજા તબક્કાની સ્થાનિક અને પક્ષ કક્ષાએ કોંગ્રેસ મજબુત થાય તે માટે ધારાસભ્ય વિશેષ જવાબદારી સોપાઇ છે. વધુમા જયરાજસિંહ પરમારે કહ્યું હતુ કે ધારાસભ્યો સહિત મહિલા કોંગ્રેસ, સેવાદળ, એન.એસ.યુ.આઈ. અને યુથ કોંગ્રેસ પણ મેદાનમાં આવશે. મહિલા કોંગ્રેસ ઘરે ઘરે જઈને કોંગ્રેસની વાતો પહોંચાડશે. સેવાદળ પણ કાર્યાલય અને અન્ય જવાબદારીઓથી સજ્જ છે. એન.એસ.યુ.આઈ. અને યુથ કોંગ્રેસને છાત્રોમાં પ્રચારની જવાબદારી નિભાવશે.
મેદાનમાં જે સીટો પર ઘમાસાણ છે એ સીટો કોંગ્રેસની જ હતી જેના પર વિશ્વાસઘાત અને કેટલામાં વહેંચાયાના મુદ્દાને લઈને પાર્ટી લોકોનો જનમત પરત મેળવવા કમર કસી રહી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં અબડાસા, લીંબડી, કરજણ, ડાંગ, કપરાડા, મોરબી, ગઢડા, ધારી વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે.રાજ્યસભા ચૂંટણી વખતે કોંગ્રેસમાં ભંગાણ પડતાં ધારાસભ્યોએ રાજીનામું ધરી દેતાં આ બેઠકો ખાલી પડી હતી.
રાજ્યમાં કુલ 8 વિધાનસભા બેઠકો ખાલી છે, જેમાં 3 નવેમ્બરે વોટિંગ પ્રક્રિયા હાથ ધરાશે અને 10 નવેમ્બરે તેનું પરિણામ જાહેર કરાશે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ 8 ઓક્ટોબરે જાહેરનામું બહાર પડી ગયું છે ત્યારે 16 ઓક્ટોબર ઉમેદવારી પત્ર ભરાવવાના શરૂ થયા હતા. 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે. ત્યારે જનતાનો નિર્ણય કોંગ્રેસ પક્ષમાં આવે એવા પ્રયાસો પ્રચારકો દ્વારા આદરી દેવામાં આવ્યા છે.