નવસારી જિલ્લામાં શુક્રવારે કોરોનાનો માત્ર એક જ પોઝિટિવ કેસ બહાર આવ્યો હતો. છેલ્લા ચાર પાંચ મહિનામાં સંભવતઃ સૌથી ઓછો કેસ છે. કુલ 1312 કેસમાંથી 1172 દર્દી રિકવર થયા છે અને હાલ એક્ટિવ કેસ 39 છે. નવસારી જિલ્લામાં જૂન -જુલાઈ મહિના બાદ મહદઅંશે કોરોનાના કેસો વધતા ગયા છે.
ચારેક દિવસ અગાઉ સૌથી ઓછા બે કેસ નોંધાયા હતા. જોકે શુક્રવારે તો એનાથી પણ ઓછો આખા જિલ્લાભરમાં માત્ર એક જ કેસ સરકારી ચોપડે નોંધાયો હતો. આ કેસ જલાલપોર તાલુકાના કોલાસણા ગામે નોંધાયો,જ્યાં 29 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગુરુવારે કોરોનાની ચકાસણી માટે જે 666 સેમ્પલ લેવાયા હતા તેમાંથી માત્ર 1 જ કેસ પોઝિટિવ આવ્યો હતો. આ વધુ એક કેસ સાથે જિલ્લામાં કુલ કેસ 1312 થયા છે.કોરોનાના કોઈ દર્દીનું મૃત્યુ નોંધાયું ન હતું.
અહીં ઉલ્લેખનીય છે કે શુક્રવારે કોરોનાની સારવાર લેતા 2 દર્દી રિકવર થયા હતા, જેની સાથે કુલ રિકવર કેસની સંખ્યા 1172 થયા હતા. એક્ટિવ કેસ 39 જ રહ્યા હતા. જે એક્ટિવ કેસ છે તેમાં મહત્તમ હોમ આઇસોલેસનમાં જ છે. નવસારીનું આરોગ્ય તંત્ર કોરોના મહામારી સમયે ખુબ જ જાગૃત બન્યા હોવાના કારણે જીલ્લામાં કોરોના કેસો પર કાબુ મેળવવામાં સફળતા હાથ લાગી છે એમ કહી શકાય.