આજે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની ચૂંટણીમાં લેખક અને કર્મશીલ પ્રકાશ ન. શાહને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારી પ્રવીણ ત્રિવેદી દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે કુલ 1292 મતમાંથી પ્રકાશ ન. શાહને 562 મત મળ્યા છે. જ્યારે અન્ય ઉમેદવારોમાં હર્ષદ ત્રિવેદીને 533 અને હરિકૃષ્ણ પાઠકને 197 મત મળ્યા છે. વર્ષ 2021થી 2023 એમ ત્રણ વર્ષ માટે પ્રમુખપદની ચૂંટણી યોજાઈ હતી.
ગુજરાતી સાહિત્ય પરિષદના નવા ચૂંટાયેલા પ્રમુખ પ્રકાશ ન. શાહ. જેના વિષે વાત માંડીએ તો ! ખાદીધારી હોવાને લઈને ઘણા તેમને ‘ગાંધીવાદી’ માને છે, તો જયપ્રકાશ નારાયણ સાથે સંકળાયેલા રહેલા હોવાને કારણે ઘણા તેમને ‘સમાજવાદી’ ગણે છે, અનેક લોકઆંદોલનોમાં તેમની સક્રિયતા અને સંલગ્નતાને કારણે ઘણાને તેઓ ‘કર્મશીલ’ લાગે છે, તો પોલિટિકલ સાયન્સ ભણાવી ચૂકેલા પ્રાઘ્યાપક તરીકેય તેમને ઘણા ઓળખે છે. ગુજરાતી જ્ઞાનકોશમાં આગવી મુદ્રા ઉપસાવનાર ‘જ્ઞાનગંગોત્રી શ્રેણી’ના સંપાદનમાં ભોગીલાલ ગાંધી સાથે પાયાની ભૂમિકા ભજવનારા તરીકે ઘણા તેમને યાદ કરે છે, તો ‘જનસત્તા’ જેવા અખબારની આગવી ઓળખ ઊભી કરનારા તંત્રી તરીકે ઘણા તેમને આદરપૂર્વક સ્મરે છે.
છેલ્લા દોઢેક દાયકામાં તેમની મુખ્ય ઓળખ ‘નિરીક્ષક’ નામનું પખવાડિક વિચારપત્ર બની રહ્યું છે. મુખ્યત્વે શાસનવિરોધી અભિગમ, મતોનું વૈવિઘ્ય, મતભિન્નતા અને તેને આવકાર તથા સાચા દિલથી તેનો સ્વીકાર, વંચિતો-દલિતો પ્રત્યેની સક્રિય સંવેદના તેમ જ અન્યાય સામે અવાજ ઉઠાવવો, એ તેમના સ્વભાવની મુખ્ય લાક્ષણિકતા ગણી શકાય. તેમની ધારદાર રમૂજ માણનારા એ રમૂજને ક્યારેય ભૂલી શકે એમ નથી, તો તેમને મળનારાના કાનમાં તેમનું ખડખડાટ, નિખાલસ હાસ્ય ક્યાંય સુધી ગૂંજતું રહે છે. આવું જ કોઈ પણ મુદ્દાની બહુઆયામી વાતો રજૂ કરતાં તેમના વક્તવ્ય વિશે પણ કહી શકાય. આવી અનેક લાક્ષણિકતાઓનો સમન્વય એટલે પ્રકાશ ન. શાહ
વર્તમાન ‘નિરીક્ષક’નું સુકાન સંભાળી રહેલા પત્રકાર, કટાર-લેખક, સંપાદક, પ્રકાશ ન. શાહ ગુજરાતના જાહેરજીવનની એક અડીખમ સંસ્થા છે. એમનામાં વિલક્ષણ વિનોદવૃત્તિ, ભાષા-વિનિયોગની એમની ખાસિયત અને એક પીઢ રાજ્યશાસ્ત્રી તથા સંપાદકની સૂઝ વર્તાય છે. ગુજરાત વિદ્યાપીઠના ઘણા સેમિનારો કે કાર્યક્રમોમાં તેમને સાંભળવાનું થયું છે તેમને મળવાનું થતું ત્યારે મનમાં અને દિલમાં એમની અલગ જ છાપ ઉભી થતી. આ વિરલ વ્યક્તિત્વને મળવાનું કે સાંભળવાનું થતું તો લાગતું લાગે કે આપણે ગાંધી નેહરુ અને જય પ્રકાશના સમયમાં પોહચી ગયા હોઈએ એમના વિચારો સાંભળી રહ્યા છીએ. હાલમાં પણ તમને આ જ્ઞાન પુંજ ગુજરાત વિદ્યાપીઠના સંકુલમાં મળી શકે છે.
તેઓ કહે છે, ‘લોકશાહી વિકલ્પ’નું સ્થાન હોવું અનિવાર્ય છે, પણ કોઈ ‘લોકશાહીનો વિકલ્પ’ બની જાય એ ન ચાલે.’ હાલમાં પણ તમને આ જ્ઞાન પુંજ ગુજરાત વિદ્યાપીઠના સંકુલમાં મળી શકે છે.ખરેખર ગુજરાતી સાહિત્ય પરિષદની ડોર એક સુરક્ષિત હાથોમાં સોંપાય છે એની ખાતરી આપી શકાય એમની નિર્ણય શક્તિ પરિષદને નવી ઊંચાઈ કરવાશે.