રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જેમ જેમ ચૂંટણીની તારીખ નજદીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓના નિવેદનોના કારણે માહોલમાં ગરમાવો જોવા મળે છે. અષાઢના કમોસમી વરસાદી વાયરા વચ્ચે વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અને ટ્વીટર પર રાજકીય યુદ્ધ ખેલવામાં મોખરે એવા પરેશ ધાનાણીએ ફરી એક વાર ‘ટ્વીટ કરી રાજકીય માહોલ ગરમાયો છે. ધાનાણીએ ભાજપમાં જોડાયેલા કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્યોને અગાઉ આડકતરી રીતે જયચંદો ગણાવ્યા બાદ હવે ફરી ટ્વીટર પર લખ્યું છે કે ”ગાંડો હશે તોય હાલશે, પણ ગદ્દાર તો નહીં જ’
પરેશ ધાનાણીએ પોલિટિકલ કરેક્ટ કાર્ટૂન સાથે એક કેપ્શન ટ્વીટ કરી છે. આ કેપ્શનના કારણે ફરી પક્ષ પલટો કરી ભાજપમાં જનારા નેતાઓ પર નિશાન સાધવામાં આવ્યું છે. જનતાની નજરે આ નેતાઓને ‘ગદ્દાર’ સાબિત કરાવવા માટે મથી રહેલા વિરોધ પક્ષના નેતા પોતાના ટ્વીટર પર એક પછી એક હુમલા કરી રહ્યા છે.
ધાનાણીએ ટ્વીટર પર લખ્યું કે “ગદ્દારો વિરુદ્ધ, ગુજરાતની લડાઈ”‘, “ગાંડો” હશે તોય હાલશે.,પણ “ગદ્દાર” તો નહીં જ.!’ પરેશ ધાનાણીનું આ ટ્વીટ ચૂંટણીમાં કેટલો ફાયદો કરાવી શકે છે તે તો સમય જ બતાવશે પરંતુ હાલ તો માધ્યમોમાં આ ટ્ટીટ જગ્યા મેળવવામાં સફળ થતા નજરે પડી રહ્યા છે. થોડા દિવસો પહેલાં જ ધાનાણીએ આવું જ એક ટ્વીટ કર્યુ હતું જેમાં જયચંદો અને ગદ્દારો જેવા વિશેષણોને ટાંકવામાં આવ્યા હતા.