ડાંગ જિલ્લાના ગાઢ જંગલ વિસ્તાર ગણાતા મહાલ કેમ્પ સાઇટ વિસ્તારમાં સુરતથી સહેલગાહે આવેલ સહેલાણીનું નદીમાં ડૂબી જતાં મોત નિપજતા શોકની લાગણીનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ સુરતના ઓલપાડ તાલુકાના કાછોલ વિસ્તારમાં રહેતી ચૈતાલીબેન અસ્વીનભાઈ પટેલ પોતાના પરિવાર સાથે કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા મહાલ કેમ્પ સાઇટ ખાતે વન ડે પિકનિક માટે આવ્યા હતા. બપોરના સમયે પાસે વહેતી પૂર્ણાં નદીના વહેતા પાણીમાં હાથ પગ ધોઈ રહ્યા હતા, તે વખતે અચાનક તેમનો પગ લપસી જતા જોત જોતામાં યુવતી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.આ ઘટનાની જાણ થતાં આસપાસના તરવૈયા યુવાનોએ તાત્કાલિક યુવતીના બચાવનું રેસ્ક્યુ કામ હાથ ધરતા યુવતી નદીના વહેણમાં તણાય ગયેલ હાલતમાં મળી હતી યુવતીને બહાર કાઢવામાં આવ્યા પછી ખબર પડી કે તેનું મૃત્યુ થઇ ચુક્યું છે.
આ ઘટનાની જાણ સુબિર પોલીસ મથકે કરતા પોલીસે મૃતક યુવતીની લાશનો કબજો મેળવી પંચનામું કરી પીએમ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સુબિર પોલીસે અકસ્માત મોત ગુનો દાખલ કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.