ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે કમલમમાં બેઠકોનો દોર જામ્યો છે પણ આ બધુય માત્ર દેખાડો જ બની રહ્યો છે કેમ કે ભાજપે પક્ષપલટુઓની ટિકીટ લગભગ નક્કી કરી દીધી છે.
એટલું જ નહીં, હજુ ભાજપે ઉમેદવારોના નામો જાહેર કર્યા નથી તે પહેલાં પાટીલના ઇશારે જ કરજણમાં મૂળ કોંગ્રેસી અક્ષય પટેલે ચૂંટણી પ્રચાર પણ શરુ કરી દીધો છે. આ પરથી સ્પષ્ટ સાબિત થયુ છે કે ભાજપે પક્ષ પલટુઓને પ્રોત્સાહન આપી રહ્યાં છે પરિણામે સંગીષ્ઠ કાર્યકરો રોષે ભરાયાં છે.
રાષ્ટ્રભાવના સાથેના સિધ્ધાંતને વરેલાં શિસ્તબદ્ધ ભાજપ પક્ષ પર હવે પક્ષ પલટુઓએ જ રાજકીય કબજો જમાવી લીધો છે. સંગઠનથી માંડીને સરકારમાં મૂળ કોંગ્રેસીઓએ જ પગ-પેસારો કરી લીધો છે જેના કારણે પક્ષ માટે પરસેવો પાડનારાં આજે હાંસિયામાં ધકેલાયાં છે. રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસની વંડીને ઠેકીને આવેલાં પાંચ પક્ષ-પલટુઓને ટિકીટ આપવાનુ વચન પૂર્ણ કરાયુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીમાં બ્રિજેશ મેરઝા, કપરાડામાં જીતુ ચૌધરી, કરજણમાં અક્ષય પટેલ,અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા અને ધારીમાં જે.વી. કાકડિયાની ટિકીટ નક્કી છે. કરજણમાં તો અક્ષય પટેલે આજથી ચૂંટણી પ્રચાર પણ શરુ કરી દીધો છે. સોશિલ ડિટસન્સના નિયમોના ધજાગરાં ઉડાડી અક્ષય પટેલે મતદારો સાથે સંપર્ક કરવાનુ શરુ કરાયુ છે.
કાર્યકરોનુ કહેવુ છે કે કમળમાંથી ઇશારો થયા સિવાય પ્રચાર શરુ થાય નહીં. પક્ષ-પલટુઓની ટિકીટ ફાઇનલ થતાં જ આ પાંચેય બેઠકો પર સ્થાનિક નેતા અને કાર્યકરો રોષે ભરાયાં છે. આ તરફ ગઢડા બેઠક પર આંતરિક ખેંચતાણ- વિરોધ વચ્ચે પણ મિત્રતા નિભાવવા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આત્મારામ પરમારને જ ટિકીટ આપવાનુ નક્કી કર્યુ છે.
આ ઉપરાંત લિંબડીમાં કિરીટસિંહ રાણા અને ડાંગ બેઠક પર વિજય પટેલની ટિકીટ પણ ફાઇનલ છે. આમ ભાજપમાં આઠ બેઠકો પૈકી પાંચ બેઠકો પર પક્ષ પલટુઓને ટિકીટ આપવાનુ નક્કી કરાયુ છે. ખુદ ભાજપના આંતરિક સર્વેમાં આ નિર્ણય જોખમરુપ સાબિત થઇ શકે છે તેવા તારણો છે.