વલસાડના કપરાડા તાલુકાનું ચાદવેગણ ગામના પાથર ફળીયાથી લઇને સાવરપાડ તરફ જતો એક કિલોમીટરનો રસ્તો અને કોઝવે આપણને આ ૨૧ મી સદીમાં પણ આઝાદી પહેલાના ભારતના ગામડાઓનું ચિત્ર યાદ અપાવે છે. કદાચ વર્તમાન ભારત સરકારના વલસાડ જીલ્લાના રોડ નિગમના હોદ્દેદારો આપણને પ્રાચીન ભારતનું દર્શન કરાવવા માંગતા હોય તેમ છેલ્લા ૧૫ વર્ષોથી રસ્તાને આજ સ્થિતિમાં લોકોના કહેવા પ્રમાણે અકબંધ રાખવાની શપત લઈને બેઠા છે એમ લાગી રહ્યું છે.
સ્થાનિક સામાજિક કાર્યકર જ્યેન્દ્ર ગાંવિત પાસેથી મળેલી માહિતી અનુસાર અમે સ્થળની મુલાકાતે ગયા અને ગામના લોકોની તથા સ્થળની મુલાકાત લીધી. ગામના આગેવાન ધીરુભાઈ બી. ઠાકરે, રૂપજી દબક્રિયા, રવજી પાંડુ વઘાત, તુલજી દેવલે વળવી, સંતુ કાકડ કોડિયા જેવા ઘણા ગ્રામવાસીઓએ જણાવ્યું કે છેલ્લા 15 વર્ષ થી આ રસ્તો અને કોઝવેની હાલત અત્યંત ખરાબ છે. અમોને ખેતી કામ માટે ચોમાસામાં પણ ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. બાળકોને શાળા જવા તેમજ દવાખાને જવામાં પણ તકલીફ પડે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે બાજુના ગામ નજીક ઓઝરડા, કુંડા, અરણાઈ નળીમદની ગામના અંદાજીત 5000 જેટલા લોકને સીધો અને સરળ રસ્તો પડતો હોય છે. પરંતુ હાલમાં લોકોને 15 કિલોમીટર ફરીને કપરાડા તાલુકા મથકની ઓફિસ કામ માટે પણ ઘણી જ મુશ્કેલી વેઠી રહ્યાં છે.
ગામના આગેવાનોના જણાવ્યા મુજબ રાજકીય નેતાઓને સરપંચ દ્વારા પણ જાણ કરવામાં આવી છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. માત્ર ચૂંટણી સમયે લોકોને ખોટા વાયદા કરી ભરોસા આપી દઈને લોકોને ગુમરાહ કરી વોટ લઈ લેવામાં આવે છે. પરંતુ આટલા વર્ષોથી કરેલી રસ્તાના સમારકામની રજુઆતો પર વલસાડ જીલ્લાના રોડ નિગમના અધિકારીઓ આંખ આડા કાન કરીને બેઠા છે. આવા બહેરા અને આંખો બંધ કરી બેઠેલા તંત્રને જગાડવા હવે પોતાની જવાબદારીનું ભાન કરાવવા ગામના લોકો અને સામાજિક કાર્યકર જ્યેન્દ્ર ગાંવિતના જણાવ્યા અનુસાર તંત્રનો બહિષ્કાર કરી આંદોલનની ચીમકી આપી છે. આ લોક નિર્ણય સામે તંત્ર કેટલી ઝડપથી આ સમસ્યાને દુર કરવાના પ્રયત્નશીલ બને છે તે જોવું રહ્યું.
BY બિપીન રાઉત