રાજકોટ: વર્તમાન સમયમાં જ્યારે શિક્ષણ એક વ્યવસાય બની ગયો છે અને વાલીઓ પાસેથી મસમોટી ફી ઉઘરાવાય રહી અને દિવસે દિવસે શિક્ષણ મોઘું બની રહ્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં રાજકોટમાં છેલ્લા વીસ વર્ષથી અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા “શેરી શાળા” નામના પ્રયોગ હાથ ધરી રાજકોટ જેવા મહાનગરમાં મજૂરીકામ કરતા લોકોના બાળકોમાં શિક્ષણની જ્યોતી પ્રગટવાનું કામ કરે છે. આપણે જોઈએ તો મોટા ભાગે મજુરી કરનારા લોકોના બાળકો મોટાભાગે મજુરી કામ સાથે જ સંકળાયેલા હોય છે એ બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ-રૂચી પેદા કરી તેમના માં-બાપને શિક્ષણનું મહત્વ સમજાવી મજુરી કરતા બાળમજૂરી કરતા બાળકો અને સ્થાનિક આર્થિક રીતે પછાત હોય તેવા વાલીઓના બાળકોને શિક્ષિત કરવામાં આવે છે.
અખિલ હિન્દ મહિલા પરિષદ સંચાલિત રામનાથપરા ખાતે કાર્યરત આ ‘શેરી શાળા’ની મુલાકાત માટે અને બાળકોને અભ્યાસ કરાવવા શહેરના કવિ, પ્રોફેસર, ડોક્ટર, વકીલ વગેરે આવતા હોય છે. અહીં બાળકોને શિક્ષણ તો આપવામાં આવે જ છે તેની સાથે સાથે તેને જાહેર જીવનમાં કેવી રીતે રહેવાય, પરિવારમાં કેવી રીતે મદદરૂપ થવાય,નાના મોટા સાથે કેવું વ્યવહાર વર્તન કરવું, પોતાના જીવનમાં આગળ વધવા કેવા નીતિ-નિયમો પાળવા વગેરે ની તાલીમ આપવામાં આવે છે.
અહીં અભ્યાસ કરવા માટે આવતા બાળકોને ભોજનની વ્યવસ્થા પણ આપવામાં આવે છે. આ ‘શેરી શાળા’માં અત્યાર સુધી 500 થી વધુ બાળકોને શિક્ષણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મહિલા પરિષદ એ ખાસ ધ્યાન રાખે છે કે બાળકોના પરિવારજનોને કોઈ આર્થિક બોજ ન આવે તેથી બાળકોને પેન,પેન્સિલ,સ્ટેશનરી સહિતની ચીજવસ્તુ પણ અહીંથી જ આપવામાં આવે છે.
કોરોના મહામારી સમયે થયેલા લોકડાઉનમાં પણ આ પરિષદે પોતાની કર્તવ્યનિષ્ઠા બતાવતા મજૂરોની મજૂરીકામ બંધ થતા બાળકો અને તેના પરિવારજનોની આર્થિક પરિસ્થિતિ વધુ ખરાબ બની. આવા સમયમાં તેઓને બહાર ખાવા માટે હેરાન ન થવું પડે તે માટે બધાને રાશનકિટ આપવામાં સગવડ પણ ઉભી કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત ઉલ્લેખનીય એ પણ વાત છે કે ‘શેરી શાળા’માં જ્યારે જયારે સમય મળે છે ત્યારે બાળકોના માતાપિતાને પણ ભણતરનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. ‘શેરી શાળા’નું સંચાલન અખિલ હિન્દ મહિલા પરિષદની બહેનો કરે છે જે સમાજ સુધારણાનું ખુબ જ પ્રશંસનીય કાર્ય છે.
ડો.ભાવનાબેન જોષીપુરા, અધ્યક્ષ અખિલ હિન્દ મહિલા પરિષદ/સંદર્ભ દિવ્ય ભાસ્કર