ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં ખેડૂતો સાથે સૂર્ય શકિત કિસાન (Sky) યોજના હેઠળ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અન્યાય થયાની મુદ્દે ખેડૂતોએ ભેગા મળીને વાંસદા-ચીખલીના સ્થાનિક ધારાસભ્ય અનંત પટેલને રજુવાત કરતાં આ આખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે

Decision Newsને મળેલી જાણકારી અનુસાર ચીખલી તાલુકાના રાનકુવા, ફડવેલ અને ટાંકલ ફિડરના ખેડૂતોને સૂર્યશક્તિ કિસાન યોજના અંતર્ગત સોલાર સીસ્ટમ થી ફાયદો થશે એવું કહેવામાં આવ્યું હતું પણ છેલ્લા બે વર્ષો દરમિયાન ખેડૂતોના કહેવું છે કે સોલાર ઉર્જામાંથી વીજ ઉત્પાદન થયું નથી અને ખેડૂતોએ ભરેલા પૈસા તો પાછા આવ્યા નથી. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મસમોટા વીજ બીલો આપવામાં આવ્યા હતા. આ યોજનામાં કેન્દ્ર સરકાર 30 ટકા અને રાજ્ય સરકાર 30 ટકા સબસિડી ચૂકવવાની હતી પરંતુ વર્તમાન સમય સુધી સબસિડી ચૂકવવામાં આવી નથી  ઉલટાનું વીજ કંપનીના અધિકારીઓ ઘરેલુ કનેક્શન બંધ કરવાની ધમકી આપી રહ્યા છે.

ધારાસભ્ય અનંત પટેલ જણાવે છે કે ચીખલી તાલુકાના ખેડૂતો સાથે સ્કાય યોજના હેઠળ દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ  અન્યાય કર્યો છે ખેડૂતોને છેતરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં જો ખેડૂતોને ન્યાય ના મળે તો આવેદનપત્ર આપીશું અને જરૂર પડે તો આંદોલનનો રસ્તો પણ અપનાવવામાં આવશે.