વાંસદા: રાજ્યમાં કે દક્ષિણ ગુજરાતના પ્રદેશમાં આગામી સમયમાં કોરોના મહામારીને લીધે ઓક્સિજન બોટલ વેન્ટીલેટર, આઈસીયુ બેડ કે વેક્સીનની કટોકટીની સ્થિતિ તો થશે જ પણ આવનારા દિવસોમાં કદાચ ડોકટરો અને નર્સો કે અન્ય મેડીકલ સ્ટાફની કટોકટી સર્જાઈ ત્યારે કેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થશે એ કલ્પના બહાર છે.
Decision Newsની ટીમે નવસારીના વાંસદા તાલુકાની અમૃત હોસ્પિટલની મુલાકાત લીધી હતી ત્યારે હોસ્પીટલના ઇન્ચાર્જ ડૉ. સોનલ પટેલ દ્વારા આ આવનારા દિવસોની કલ્પના કરવામાં આવી. ડૉ. સોનલનું કહેવું હતું કે હાલમાં મોટાભાગના સમાચાર માધ્યમોમાં ઓક્સિજનની અછતની સમસ્યા પર ધ્યાન કેન્દ્રીત કરાઈ રહ્યું છે, જ્યારે મને ચિંતા છે આગામી દિવસોમાં હેડલાઈન બનનારા સમાચારોની. તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં નર્સ અને ડોક્ટરની અછતને પગલે આઈસીયુમાં દર્દીઓનો મોત થઈ રહ્યા હોવાના સમાચાર હેડલાઈન બને તેવો ડર સતત સતાવે છે. અને પરિસ્થિતિ નિર્માણ પામશે જ તેમાં મને કોઈ શંકા નથી.
હાલમાં ડોકટરોના રીપોર્ટ અનુસાર દેશમાં કોરોનાની બીજી લહેર હજી તેની ચરમસીમાએ નહીં સ્પર્શી હોવા છતાં હાલમાં ભારતભરમાં ઉપલબ્ધ 75,000થી 90,000 જેટલાં આઈસીયુ બેડ્સમાંથી મોટાભાગના ભરાઈ ચૂક્યા છે. રોજના આશરે 15-20 લાખ લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. આંકડાની રીતે જોઈએ તો કોરોના પોઝિટીવ દર્દીઓ પૈકીના પાંચ ટકાને આઈસીયુની જરૂર પડે છે. ડોક્ટરોના અંદાજ અનુસાર આગામી થોડાક સપ્તાહ દરમિયાન ભારતને 5 લાખ આઈસીયુ બેડ્સ, 2 લાખ નર્સ તથા 1.5 લાખ ડોક્ટર્સની જરૂર પડશે.
જો આ સ્થિતિમાં સર્જાવાની જ હોય તો એનો ઉકેલ શું હોય શકે ? એવા Decision News દ્વારા ડૉ. સોનલ પટેલને પુછાયેલા સવાલમાં તેમણે જણાવ્યું કે આપણે શક્ય તેટલી ઝડપથી આઈસીયુ બેડ્સની તમામ હોસ્પિટલોમાં વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. કારણકે આ મહામારી હજી આગામી 4-5 મહિના સુધી પીછો નહીં છોડે. આપણે તેની ત્રીજી લહેર માટે પણ અત્યારથી જ સજ્જતા કેળવવી પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક રીસર્ચ રીપોર્ટ અનુસાર ભારતમાં હાલમાં આશરે 2.20 લાખ નર્સિંગ વિદ્યાર્થીઓ છે જેમણે તેમનો ત્રણ વર્ષનો જનરલ નર્સિંગ અને મીડવાઈફરીનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે. અથવા તો ચાર વર્ષનો નર્સિંગનો કોર્સ પૂરો કરી ચૂકેલા બીએસસીના વિદ્યાર્થીઓ છે તેમને કોવિડ આઈસીયુ વોર્ડ્સમાં ફરજ બજાવવા માટેની વ્યવસ્થા કરવાની દિશામાં પગલાં લેવાવા જોઈએ. અને બીજું 1. 30 લાખ જેટલાં યુવા તબીબો છે જેઓ નીટની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યાં છે. તેમાંથી પણ એક લાખ જેટલાં વિદ્યાર્થીઓને કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લઈ શકાય.