દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

વાંસદા: ગતરોજ વાંસદા તાલુકા પંચાયતમાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને નવસારી જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકીના અધ્યક્ષસ્થાને ભાજપ અને કોંગ્રેસના આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં 5 દિવસ સુધી એટલે 3જી મે સુધી વાંસદામાં લોકડાઉન લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ બેઠકમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલનું કહેવું હતું કે આપણે 21 થી 28મી એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો ભારે સમર્થન મળતા મહદઅંશે કોરોનાની ચેઇન તોડવામાં સફળતા તો મેળવી છે પરંતુ હજી પરિસ્થિતિ જોતા કોરોના સંક્રમણના કેસો અને મૃત્યુદરમાં વધારો નોંધાય રહ્યો છે તેથી લોકોના હિત અને લોકોને કોરોનાથી બચાવવા માટે લોકડાઉન લંબાવવાનું હિતાવહ છે. આપણે સૌએ સ્વૈચ્છિક લોકડાઉનને ફોલો કરવું પડશે નહિ તો કોરોનાના કેરથી સ્થાનિક લોકોને બચાવવું મુશ્કેલ બનશે.

આ બેઠકમાં હાજર નવસારી જિ. પં. શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જો આપણે લોકડાઉન નહીં લંબાવીએ તો કોરોનાને કાબુ કરવો અશક્ય રહેશે. કોટેજ હોસ્પિટલ અને લીમઝર સીએચસીમાં ઓક્સિજન, ઇન્જેક્શનો, વેન્ટીલેટર જેવી કેટલીય સુવિધાઓ હજી પુરી થઈ નથી અને જેના કારણે મોટી સંખ્યામાં મૃત્યુ થયા છે. જો આપણે લોકડાઉન નહીં લંબાવીએ તો કોરોનાના દર્દીઓમાં ધરખમ વધારો થશે. આપણા વિસ્તારમાં હજીએ કોરોનાની સારવાર માટે સુવિધાઓ નથી ત્યારે જ્યાં સુધી કોવિડ સેન્ટર અને કોટેજમાં ઓક્સિજન, વેન્ટીલેટર જેવી અન્ય સુવિધાઓ મળી નહીં રહે ત્યાં સુધી લોકડાઉન એ જ કોરોનાથી બચવા માટેનો વિકલ્પ છે. શિવેન્દ્રસિંહ સોલંકીએ બેઠકમાં તંત્રની બેદરકારી માટે બળાપો ઠાલવી ધારાસભ્ય અનંત પટેલની માંગ વ્યાજબી જણાવી શિવેન્દ્રસિંહે પણ પાંચ દિવસમાં ઓક્સિજન, વેન્ટીલેટર સહિતની તમામ સુવિધાઓ તંત્ર દ્વારા પુરી પાડવામાં નહીં આવે તો ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ બેઠકમાં નવસારી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિરલ વ્યાસ, કોંગ્રેસ અગ્રણી રાજીત પાનવાલા, તા. પં. સભ્ય યોગેશ દેસાઈ, હનુમાનબારી અને વાંસદાના સરપંચે પણ લોકડાઉન લંબાવવાના નિર્ણયની સરાહના કરી હતી. હવે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ તંત્રની સામે ભૂખ હડતાળનું અહિંસક શસ્ત્ર ઉગામ્યું છે હવે આવનારો સમય જ બતાવશે આ જડ તંત્ર કેટલા અંશે વાંસદામાં કોરોના મહામારી સામે લડત લડવા સુવિધાઓ આપશે.