દક્ષિણ ગુજરાત: ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સમાજ વ્યવસ્થામાં કહેવાતા સંત અને કહેવાતા ભગવાન બની જવું સહેલું છે. પરંતુ હૃદયમાં સામાજિક ન્યાય માટેનો આતશ જલતો રાખીને શોષિતો, વંચિતો, પીડિતો, શ્રમિકો અને ગરીબોની પડખે ઊભા રહેવું એ સૌથી અઘરામાં અઘરી જીવન સાધના છે, સમાજ સાધના છે.
શ્રી. અરવિંદભાઈ છોટુભાઈ દેસાઈ સાચા અર્થમાં સફળ સામાજિક ન્યાયના મસીહા અને પારકી છઠ્ઠીના જાગતલ જીવન સાધક હતા. મહાજનીય પરંપરાના, જમણેરી, મૂડીવાદી, મધ્યમ વર્ગીય માનસિકતાવાળા ગુજરાતમાં જો તમે જમીનદારો, જાગીરદારો, ઉદ્યોગપતિઓ, વેપારીઓની અમાનવીય શોષણ મુલક જીવનશૈલીને પુરસ્કૃત કરો અથવા ચલાવી લ્યો તો એ સ્થાપિત વર્ગો તમને દાતા પાતાની સંસ્કૃતિ મુજબ અનેક પ્રકારની સેવા પ્રવૃત્તિ તમારી પાસે કરાવીને તમને મહાન લોકસેવક તરીકે પ્રસ્થાપિત કરીને તમારું દેવતુલ્ય બહુમાન કરી આપે.
પરંતુ જો તમે એ જ જમીનદાર, જાગીરદાર, ઉદ્યોગપતિ, વેપારીને ત્યાં કામ કરતા ” શ્રમદેવતાના” શ્રમના આર્થિક સામાજિક મૂલ્ય માટે કે એ શ્રમિકના શ્રમના લઘુતમ વેતન ધારા માટે કે તેના કામના સમય માટે ન્યાયની અપેક્ષા રાખો કે ન્યાય માટે લડત આપો તો આ સ્થાપિત વર્ગો તમને આતંકવાદી નક્સલવાદી કે વર્ગ વિગ્રહના પિતા તરીકેનું બહુમાન કરીને તમારું ચારિત્ર્ય હનન સાતત્ય પૂર્વક કરતા રહે છે. અરે તમારા પર શારીરિક હુમલાઓ કરી કરાવીને હત્યા કરવા સુધીના આયોજન કરતાં હોય છે.
મહાત્મા ગાંધીએ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ અને ભારતીય આઝાદીનું જનવાદી કરણ કરીને પ્રત્યેક વ્યક્તિના સમાન અધિકાર અને પ્રત્યેક વ્યક્તિની સમાન ભાગીદારી માટેનું જન આંદોલન શરૂ કર્યું ત્યારે મહાત્મા ગાંધીના એ વિચારની સ્વ. અરવિંદભાઈ છોટુભાઈ દેસાઈ અને તેમના પિતાજી સ્વ. છોટુભાઈ દેસાઈ પર એવી અસરકારક રીતે પડી કે આ બંને માથાફરેલ બાપ દીકરાઓ અનાવલા મટીને હળપતિ સમાજના પારકી છઠ્ઠીના જાગતલ એવા “છોટુ દુબળી” અને” અરવિંદ દુબળી” બની ગયા.
આજે દક્ષિણ ગુજરાતના હળપતિ સમાજમાં જેટલું પણ આર્થિક-સામાજિક સશક્તિકરણ થયું છે તેનું શ્રેય સ્વ. છોટુ ભાઈ દેસાઈ, સ્વ. ઝીણાભાઈ દરજી અને સ્વ. અરવિંદ ભાઈ દેસાઈની ત્રિપુટીને જાય છે. સ્વ. જુગતરામ દવે કહેતા હતા કે મારું વેડછી આંદોલન સફળ રહ્યું છે તેનું સૌથી મોટું શ્રેય સ્વ. ઝીણાભાઈ દરજી અને સ્વ. અરવિંદભાઈ દેસાઈના શિરે જાય છે.
દક્ષિણ ગુજરાતમાં ડાંગથી લઈને ડેડીયાપાડા સુધી જે હળપતિ આદિવાસીઓ માટેની આશ્રમશાળાઓની શૃંખલા રચાઈ છે તેનું મહત્તમ શ્રેય અરવિંદભાઈ દેસાઈના શિરે જાય છે. પોતાના જ સ્થાપિત વર્ગના મિત્રો સાથે સહજીવન જીવતા જીવતા હળપતિ સમાજને સામાજિક ન્યાય અપાવવા માટે પોતાના જ મિત્રો દ્વારા અરવિંદભાઈને નિવસ્ત્ર કરીને મરણતોલ માર મારવામાં આવ્યો હતો છતાં તેની જરા પણ કટુતા ધારણ કર્યા વગર અરવિંદભાઈએ પોતાના મિત્રો સાથે મિત્રતા જાળવીને હળપતિઓને સામાજિક ન્યાય અપાવ્યો છે.
સ્વ. અરવિંદ ભાઈ દેસાઈ મહાત્મા ગાંધીના ઉદ્દેશવાળી ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ લઈને મહાત્મા ગાંધીની કલ્પનાનાં શિક્ષિત બનીને મહાત્મા ગાંધીની કલ્પના મુજબ જ સમાજના સશક્તિકરણ માટે સમર્પિત થઈ ગયા હતા. આવા પારકી છઠ્ઠીના જાગતલ, હળપતિ સમાજના કલ્યાણ મિત્ર અને રામ મનોહર લોહિયા જેને “કજાત ગાંધીવાદી” કહે છે તેવા મહાત્મા ગાંધીને પ્રિય એવા શ્રી અરવિંદભાઈ છોટુભાઈ દેસાઈ આપણને અલવિદા કરી ગયા છે.
ચાલો આપણે સૌ કહેવાતા સંત અને કહેવાતા ભગવાનને રવાડે ચઢવાનું પડતું મૂકીએ અને સાચા અર્થમાં હૃદય પૂર્વક જેના ભાગ્યમાં સામાજિક અને રાજકીય આઝાદીના ફળો નથી આવ્યા તેમની પડખે ઉભા રહીને તેમનું આર્થિક સામાજિક શૈક્ષણિક અને રાજકીય સશક્તિકરણ કરવામાં આપણી જાતને સમર્પિત કરીએ. આજ અરવિંદભાઈને સાચી શ્રદ્ધાંજલિ.

