વાંસદા: ૧ પહેલી એપ્રિલથી દેશભરમાં જયારે ૪૫ વર્ષથી વધુ વયના લોકોને કોરોના વેક્શીન આપવાનું શરુ કરવામાં આવ્યું છે ત્યારે આજે ૧૦:૦૦ વાગ્યે નવસારીમાં પણ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત આયોજિત તાલુકા આરોગ્ય કચેરી વાંસદા દ્વારા ૪૫ વર્ષથી ઉપરના પદાધિકારીઓ માટે કોવિડ-19 રસીકરણનો શુભારંભ શ્રી પ્રતાપ હાઇસ્કુલ વાંસદા ખાતેના હીરક મહોત્સવ પ્રાર્થના ભવનમાં યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે નવસારી જિલ્લા કલેકટર શ્રીમતિ આંદ્રા અગ્રવાલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર ડી.ડી ઓ શ્રી તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઈ ગાંવિત વાંસદાના પ્રાંત અધિકારી શ્રી આર.સી.પટેલ, શ્રી એમ.એલ નલવાયો, નવસારી જિલ્લાના શાસક પક્ષના નેતા શિવેન્દ્રસિંહ સોલંકી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુમિત્રા બેન, ડો. સુઝીત પરમાર ડો. હિરેનભાઈ, શ્રીમંત મહારાજા સાહેબ વાંસદા અને વાંસદા તાલુકા પંચાયતના દરેક ગામના સરપંચશ્રીઓએ પોતાની હાજરી આપી હતી
કલેકટરશ્રીએ કોરોનાની વેક્શીન લેવાની અપીલ કરતા જણાવ્યું કે હાલમાં જિલ્લામાં ધીમે પગલે વધી રહેલા કોરોનાને નાથવા માટે સમજદારી અને તકેદારી રાખવાની જરૂર છે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ગાઈડલાઈન્સને અનુસરી અને કોઈપણ કોરોના સબંધિત ભ્રાંતિમાં પડયા વગર તકેદારી રાખી કોરોના પર અંકુશ મૂકી શકાય છે. તેમને વધુમાં જણાવ્યું કે હાલમાં કોરોનાને નાશ કરવા સરકારે જરૂરી પગલાં ભર્યા છે અને કોરોના વેક્શીનને દરેક વ્યક્તિઓ સુધી પોહ્ચાડવાનો પ્રયાસ આદરી દીધો છે અને આપણે એમાં સહભાગી બની કોરોના વેક્શીન લઇ કોરોનાને હરાવવામાં સરકારને સહકાર આપવો પડશે.











