દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

વલસાડ: હાલમાં બંધ ધરમપુરથી અગાશી રૂટની બસને ચાલુ કરાવવા નાની ઢોલડુંગરી તાલુકા પંચાયત બેઠકના આદિવાસી અપક્ષ સભ્ય કલ્પેશ પટેલે ગતરોજ ધરમપુર ડેપો મેનેજરને આવેદનપત્ર આપ્યું હતું.

વર્તમાન સમયની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં બહુમતી સાથે ચુંટાયેલા તાલુકા પંચાયતનાં અપક્ષ સભ્ય કલ્પેશભાઈ પટેલે ધરમપુર ડેપોના મેનેજરને આપેલા આવેદનમાં જણાવ્યું કે ધરમપુર-અગાશી-ધરમપુર બસ બંધ થતાં કરંજવેરી, મોટી ઢોલડુંગરી, રાજપુરી તલાટ, વિરવલ, જામનપાડા, પાણીખડક અને રૂમલા ગામના અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને ITIમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી  પડી રહી છે.

હાલમાં કોરોના મહામારીના સમયમાં ભાડાનો પ્રશ્ન ઉઠાવી આ રૂટના તમામ બાળકોની સલામતીને ધ્યાને લઇ નિયમિત બસ સેવા ચાલુ કરવા માંગ કરવામાં આવી છે. આવનારા થોડા જ દિવસોમાં જો બસ ચાલુ નહીં થાય તો વિદ્યાર્થી સાથે ડેપો સામે ધરણા કરવાની ચીમકી પણ કલ્પેશભાઈ દ્વારા આપવામાં આવી છે. હાલમાં ડેપો મેનેજરે વિદ્યાર્થીઓની સુવિધા અને સલામતી માટે બસ સેવા ફરી શરૂ કરવા ખાતરી આપી મામલાને ઢાળે પાડવાનો પ્રયાસ આદર્યો હતો.