વોટ્સએપની નવી પ્રાઇવસી પૉલિસી અંગે દિલ્હી હાઇકોર્ટમાં જે અરજી દાખલ કરવામાં આવી છે તેના પર આજે સુનાવણી થશે. દિલ્હી હાઇકોર્ટમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મેસેજિંગ એપની પ્રાઇવસી પૉલિસી આખા દેશના નાગરિકોના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. અરજી પ્રમાણે વોટ્સએપે પોતાની ગોપનીયતાની નીતિ બદલી દીધી છે. વોટ્સએપ તરફથી પોતાના નિયમો અને શરતોનો સ્વીકાર કરવાનું યૂઝર્સ માટે અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. આવું નહીં કરવામાં આવે તો 8મી ફેબ્રુઆરી, 2020ના રોજ યૂઝરના એકાઉન્ટની સેવા સમાપ્ત કરી દેવામાં આવશે.

હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને એડવોકેટ ચૈતન્ય રોહિલ્લાએ માંગણી કરી છે કે, પ્રાઇવસી પૉલિસીને તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવે. આ સાથે જ ભારતમાં વોટ્સએપના ઉપયોગ અને લોકોના ગોપનીયતાના અધિકારને ધ્યાનમાં રાખીને દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇટી મંત્રાલયને પણ નિર્દેશ આપવામાં આવે જેનાથી એ સુનિશ્ચિત કરી શકાય કે વોટ્સએપ કોઈ પણ ઉદેશ્ય સાથે પોતાના યૂઝર્સને ડેટા ત્રીજા પક્ષકાર, ફેસબુક કે પછી તેની અન્ય કંપનીઓ સાથે શેર ન કરે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ખરેખર તે કોઈ વ્યક્તિની ઑનલાઇન ગતિવિધિની 360 ડિગ્રી પ્રોફાઇલ આપી રહ્યું છે. કોઈ પણ વ્યક્તિની ખાનગી કે વ્યક્તિગત ગતિવિધિ પર હાલ કોઈ પણ નિયમ કે સરકારના નિરીક્ષણ વગર જ દેખરેખ રાખવામાં આવી રહ્યું છે. હવે વોટ્સએપ યૂઝર્સનો ડેટા દુનિયાના સૌથી મોટા સામાજિક નેટવર્કને આપવા જઈ રહ્યું છે. આ એવી મોટી વેબસાઇટ છે જે દર બીજી વેબસાઇટમાં એમ્બેડ છે.

ઉલ્લેખનીય છે કે, વોટ્સએપ તરફથી નવી પૉલિસી અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. વોટ્સએપનું કહેવું છે કે તેમની તાજેતરની નવી પૉલિસી સંદેશ પર કોઈ અસર કરતી નથી. આ સાથે જ વોટ્સએપ તરફથી ડેટાની સુરક્ષા અંગે ફેલાયેલી ચિંતા અને ભ્રમ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.