તાપી: આજરોજ તાપી જિલ્લાના ગ્રામ્ય વિકાસ, સિંચાઈ, ભ્રષ્ટાચાર નિવારણ, બાળ આરોગ્ય અને પીવાના પાણીના પ્રશ્નોને લઈને સામાજિક કાર્યકર્તા તર્કકુમાર જીતેન્દ્રભાઈ ચૌધરી દ્વારા રાજ્યકક્ષાના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસુરીયા સમક્ષ લોકહિતલક્ષી રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા આમકુટી ગામમાં મંજૂર સિંચાઈનો કૂવો માત્ર 10 દિવસમાં ધરાશાયી થવા, અમૃત સરોવરોમાં પેવર બ્લોકના કામો, રમતગમતનાં મેદાનોમાં ગેરરીતિઓ તથા કપૂરા ગામના રમતગમતના મેદાન અંગે લોકપાલના હુકમનો અમલ ન થવા જેવા મુદ્દાઓ પર જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં ICDS અને આરોગ્ય વિભાગના કુપોષણના આંકડાઓમાં એકરૂપતા લાવવા, સંયુક્ત મોનીટરીંગ વ્યવસ્થા ઊભી કરવા તથા કુપોષિત બાળકોને યોગ્ય સારવાર અને પોષણ મળે તે માટે નીતિગત સુધારા કરવાની રજૂઆત કરવામાં આવી છે.
તાપી જિલ્લાના કુકરમુંડા, નિઝર, ઉચ્છલ, સોનગઢના પર્વતીય વિસ્તારો અને ડોલવણ તાલુકામાં ઉનાળાની પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા વિશેષ સર્વે, લિફ્ટ વોટર સપ્લાય યોજના અને સમયબદ્ધ કાર્યયોજના બનાવવાની માંગ પણ કરવામાં આવી છે. સાથે જ છેલ્લા પાંચ વર્ષમાં પંચાયત સિંચાઈ અને નર્મદા કલ્પસર વિભાગની યોજનાઓની સમીક્ષા, સ્થળ તપાસ, ગુણવત્તા ચકાસણી, ગેરરીતિમાં રિકવરી અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
તર્કકુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે, “સરકારી યોજનાઓનો હેતુ માત્ર ગ્રાન્ટ ફાળવવાનો નહીં, પરંતુ તેનો વાસ્તવિક લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો હોવો જોઈએ. તપાસ પૂર્ણ થયા બાદ પણ કાર્યવાહી ન થાય તે લોકહિત માટે ચિંતાજનક છે. દરેક મુદ્દે જવાબદારી નક્કી કરી સમયમર્યાદામાં અસરકારક કાર્યવાહી થવી જરૂરી છે.”











