વાલોડ (તાપી): ગુજરાતમાં પ્રથમ વખત વાલોડ તાલુકાના વેડછી સ્થિત ગાંધી વિદ્યાપીઠ ખાતે બે દિવસીય રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય સંમેલન-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય આદિવાસી સાહિત્ય પરિષદના ઉપક્રમે તા. 21 અને 22 નવેમ્બરના રોજ યોજાયેલા આ સંમેલનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી સાહિત્યકારો, લેખકો, કવિઓ, સંશોધકો, શિક્ષણવિદો અને કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આદિવાસી ભાષાઓ, સાહિત્ય, મૌખિક પરંપરાઓ, લોકજ્ઞાન અને સાંસ્કૃતિક વારસાના સંવર્ધન તેમજ આદિવાસી સમાજના સામાજિક પ્રશ્નો અંગે રાષ્ટ્રીય સ્તરે સંવાદ સાધવાના હેતુથી આ સંમેલન યોજાયું હતું. સંમેલનના પ્રથમ દિવસે પરંપરાગત પ્રકૃતિપૂજન સાથે કાર્યક્રમનો શુભારંભ થયો હતો. ગાંધી વિદ્યાપીઠના પ્રમુખ અમરસિંહ ચૌધરીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું, જ્યારે ડૉ. જિતેન્દ્ર વસાવાએ સંમેલનની ભૂમિકા રજૂ કરી હતી.

બે દિવસ દરમિયાન સર્જનાત્મક સાહિત્ય અને સંસ્કૃતિ, સાહિત્યિક આલોચના, સામાજિક પ્રત્યેની જવાબદારી, આદિવાસી મહિલા સર્જકોના અનુભવો અને સાહિત્યિક અભિવ્યક્તિ તેમજ મીડિયા ક્ષેત્રે આદિવાસી યુવાનોના પ્રતિનિધિત્વ અને સ્વતંત્ર અભિવ્યક્તિના પડકારો જેવા વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચાસત્રો યોજાયા હતા. વિવિધ રાજ્યોના સર્જકોએ કવિતા, વાર્તા અને આલેખપાઠ દ્વારા પોતાની ભાષા અને સંસ્કૃતિની ઝલક રજૂ કરી હતી.

સંમેલનના બીજા દિવસે ભાષા, મૌખિક પરંપરા, સાહિત્ય અને આદિવાસી સમાજના સામાજિક-સાંસ્કૃતિક અધિકારો અંગે ગહન વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. સંમેલનના અંતિમ સત્રમાં ‘વેડછી ઘોષણાપત્ર-2026’ રજૂ કરવામાં આવ્યું હતું.

ડૉ. રામદાસ મુંડાને મરણોત્તર ‘આદિવાસી સાહિત્ય પુરસ્કાર-2026’ ગાંધી વિદ્યાપીઠ ખાતે યોજાયેલા રાષ્ટ્રીય આદિવાસી સાહિત્ય સંમેલન-2026ના ઉપક્રમે અખિલ ભારતીય આદિવાસી સાહિત્ય પરિષદ દ્વારા ડૉ. રામદાસ મુંડાને મરણોત્તર ‘આદિવાસી સાહિત્ય પુરસ્કાર-2026’ એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન દ્વારા આદિવાસી સાહિત્ય ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાનને ભાવભેર યાદ કરવામાં આવ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here