ધરમપુર: ધરમપુર તાલુકાના કેળવણી ગામના આદિમજૂથ (PVTG)ના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સરકારની આવાસ યોજનાનો લાભ મળવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમયથી આ પરિવારોના આવાસ મંજૂર ન થતા આખરે આ મામલે ધરમપુર તાલુકા પંચાયત કચેરી ખાતે લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.
રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે કેળવણી ગામના આદિમજૂથના અનેક પરિવારો આજે પણ કાચા અને જર્જરિત મકાનોમાં રહેવા મજબૂર છે. આવાસ યોજના હેઠળ તેમના ફોર્મ અને જરૂરી પ્રક્રિયાઓ હોવા છતાં આવાસ મંજૂર ન થતા લાભાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ગરીબ પરિવારોનું પોતાના પાકા મકાનનું સ્વપ્ન સાકાર થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય તપાસ કરી, બાકી રહેલા તમામ લાભાર્થીઓના આવાસ સત્વરે મંજૂર કરવામાં આવે તેવી પ્રબળ માંગણી કરવામાં આવી છે.
આ પ્રસંગે જરૂરિયાતમંદ પરિવારો સાથે આપવા આવેલા વલસાડ કોંગ્રેસના ST સેલના પ્રમુખ રાહુલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કેળવણી ગામના આદિમજૂથ (PVTG)ના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સરકારની આવાસ યોજનાનો લાભ મળવો જોઈએ. “આદિવાસી હક એ અમારો અધિકાર છે, અને આદિવાસી સમાજના બંધારણીય હક તથા અધિકાર અપાવવા માટે અમારો સંઘર્ષ સતત ચાલુ રહેશે.”











