વિચારમંચ: ચળકે તે બધું સોનું નહીં. દૂરથી ડુંગરા રળિયામણા! ઉપરથી રૂપાળું, અંદરથી પોલું ! હાથીના દાંત ખાવાના જુદા, દેખાડવાના જુદા! બગલામાં છૂરી, મોં માં સ્વામિનારાયણ! આ બધી કહેવતો સમજ આપે છે કે દૂરથી કે બહારથી બધું સારું લાગે, પણ નજીકથી પારખીએ ત્યારે સાચી ખબર પડે. બહારથી સુંદર, ચમકદાર અને આકર્ષક દેખાતી દરેક વસ્તુ અંદરથી કિંમતી, સાચી કે સારી હોય જ એવું નથી.

ભગવા વસ્ત્ર ધારણ કરે એટલે ત્યાગ નહીં ! માણસ ભગવા વસ્ત્ર ધારણ કરે તો પણ મોહ-માયા, વાસના છૂટતી નથી. સ્વામિનારાયણના જ જુદાજુદા 15 થી વધુ ફાંટાઓ છે; તેનો હેતુ શું હશે ? શું દરેક સંપ્રદાયને દાનનો લોભ નહીં હોય ? જો આવો લોભ ન હોય તો જુદાજુદા ફાંટા કેમ ? આ ફાંટાઓ જ દર્શાવે છે કે મૂળમાં ધાર્મિક સત્તાની ભૂખ છે. તેમની પાસે કોઈ અલગ તત્વજ્ઞાન નથી, હા અલગ ભૂખ છે, અલગ લાલચ છે, અલગ મોહ-માયા છે.

20 નવેમ્બર 2026ના રોજ ‘દિવ્ય ભાસ્કર’માં સમાચાર છે કે “આણંદ તેમજ રાજકોટમાં અગાઉ સસ્તામાં જમીન મેળવવા કમિશનની લાલચ આપી તથા મંદિર બનાવવાના બહાને ઠગાઈ આચરવાના ગુનામાં, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના દર્શન પ્રકાશ ઉર્ફે ડી. પી. સ્વામી તથા માધવપ્રિય ઉર્ફે એમ. પી. સ્વામી સહિત પાંચ જણાંએ મંદિર બનાવવાના બહાને રૂપિયા 1.25 કરોડની ઠગાઈ આચરી છે. આ ગુનો રાજકોટમાં બન્યો છે જેમાં તેઓએ નિવૃત્ત શાસનાધિકારી નરસિંહભાઈ લઘરભાઈ વાઢેરને ટાર્ગેટ કર્યા છે. ડીપી સ્વામી ગેંગે એક જ પધ્ધતિની 3 વર્ષમાં, 3 માલેતુજારો સાથે રૂા. 8.79 કરોડની ઠગાઇ આચરી છે.”

“માધવપ્રિય સ્વામી અને દર્શન પ્રકાશ સ્વામીએ ડાકોરમાં 300થી 400 વીઘા જગ્યામાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનું હોવાથી જમીન ખરીદ કરવાનું કહી નરસિંહભાઈને શીશામાં ઉતાર્યા હતા. જેમાં આફ્રિકાથી દાન આવવાનું છે તેમ કહી વધુ કમિશન અને ઓછી કિંમતે જમીન આપવાના બહાને રોકડા રૂપિયા 1.25 કરોડ નરસિંહભાઈ પાસેથી લીધા હતા.”

“બંને સ્વામી દ્વારા હંમેશા ધાર્મિક લોકોને જ ટાર્ગેટ કરવામાં આવતા હતા. તેઓ કહેતા કે- ‘જો અમે સીધા ખેડૂત પાસેથી જમીન ખરીદશું તો તે ખેડૂત અમારી પાસે જમીનની વધુ કિંમત લેશે અને જમીન માલિકના સગાં સબંધીઓના વાંધા-વચકા રજૂ કરી અમારી પાસે વધારે રૂપિયા લેશે, પરંતુ જો તમે આ જમીન ખરીદ કરવા રૂપિયાનું રોકાણ કરશો અને તમે તમારા નામે જમીનનો સાટાખત કરશો તો અમે તમને જમીનના રૂપિયા તથા તેના ઉપર સારા કમિશનના રૂપિયા મળશે’ તેમ કહી લોભાવતા હતા.”

“અગાઉ આણંદ અને રાજકોટમાં આ બન્ને સ્વામીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ઓક્ટોબર 2025માં, અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા બિલ્ડર અને જમીન દલાલ જીવનભાઈ ટોકરભાઈ પરમાર સાથે વડોદરા નજીકના ગામમાં સ્વામિનારાયણ મંદિર બનાવવા માટે જમીન ખરીદવાના બહાને 4.50 કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં થઇહતી. સપ્ટેમ્બર 2024માં, રાજકોટના રિયલ એસ્ટેટ બ્રોકર જસ્મિન માઢકને લીંબ ગામે પોઈચા જેવું ભવ્ય મંદિર અને ગૌશાળા બનાવવા માટે 510 વીઘા જમીન ખરીદવાની લાલચ આપવામાં આવી હતી. આફ્રિકાથી દાન આવશે તેમ કહીને તેમની પાસેથી રૂપિયા 3.04 કરોડ પડાવ્યા હતા. જેની રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.”

એવું કહેવાય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયથી સંસ્કાર આવે છે. પરંતુ ખુદ આ સંપ્રદાયના સ્વામીઓ જ હત્યા કરે છે, બળાત્કાર કરે છે, નિર્દોષ કિશોરો સાથે સજાતીય સંબંધ બનાવે છે, છેતરપિંડી કરે છે, ઠગાઈ આચરે છે. જો સ્વામીઓમાં સંસ્કાર પ્રગટતા ન હોય તો હરિભક્તોમાં સંસ્કાર પ્રગટે ખરાં ?

BY: રમેશ સવાણી [20 નવેમ્બર 2026]


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here