ગાંધીનગર/દિલ્હી: દેશભરમાં દર વર્ષે 15 નવેમ્બરના દિવસને ‘રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, પરંતુ આદિવાસી સમાજ દ્વારા આ નામને લઈને સ્પષ્ટ વિરોધ અને અસંતોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સમાજના જાગૃત નાગરિકો અને આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા તેમજ વિવિધ માધ્યમોથી સ્પષ્ટ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, “અમે ‘જનજાતિ’ નહીં, પરંતુ ‘આદિવાસી’ ગૌરવ દિવસ જોઈએ છે.”
આ વિવાદ અને માંગ પાછળ ઇતિહાસના મહત્ત્વપૂર્ણ પાનાઓ અને ભારતીય બંધારણ સભાની ચર્ચાઓ જોડાયેલી છે. બંધારણ સભામાં જયપાલ સિંહ મુંડાની ઐતિહાસિક દલીલ: ભારતીય બંધારણ સભામાં આદિવાસી સમાજના પ્રખર પ્રતિનિધિ અને મહાન નેતા જયપાલ સિંહ મુંડાએ 5 સપ્ટેમ્બર 1949ના રોજ બંધારણ સભાની બહસ (ચર્ચા) દરમિયાન અંગ્રેજી શબ્દ ‘Scheduled Tribes’ ના અનુવાદમાં સત્તાવાર રીતે ‘આદિવાસી’ શબ્દનો જ ઉપયોગ કરવાની પ્રખર માંગ ઉઠાવી હતી.
બંધારણ સભામાં પોતાની વાત રજૂ કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું: હું આદિવાસી છું અને સ્વયંને આદિવાસી જ કહું છું. તમે અમને કોઈ બીજું નામ કેમ આપવા માંગો છો, તે મારી સમજ બહાર છે. વાસ્તવિકતા એ છે કે ‘આદિવાસી’ નામ અમને સૌથી વધુ સ્વીકાર્ય છે.
સમાજની લાગણી અને આંદોલન: આદિવાસી નેતાઓ જિમ્મી પટેલ અને અખિલ ચૌધરી અને સમાજનું માનવું છે કે ‘આદિવાસી’ શબ્દ એ માત્ર એક નામ નથી, પરંતુ તે આ જમીનના મૂળ માલિકોની ઓળખ, સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવનું પ્રતીક છે. આદિવાસી સમાજ પોતાની મૂળ ઓળખ સાથે કોઈ પણ પ્રકારના ફેરફાર કે અન્ય નામો સ્વીકારવા તૈયાર નથી. આ ઐતિહાસિક સંદર્ભને ટાંકીને હવે દેશભરમાંથી એવો સુર ઉઠી રહ્યો છે કે સરકારી કે સત્તાવાર દસ્તાવેજો તેમજ ઉત્સવોમાં ‘જનજાતિ’ને બદલે મૂળ અને ગૌરવવંતા ‘આદિવાસી’ શબ્દનો જ સંપૂર્ણ સ્વીકાર કરવામાં આવે અને દિવસનું નામ પણ ‘આદિવાસી ગૌરવ દિવસ’ રાખવામાં આવે.











