વાંસદા: ભાઈબીજના પવિત્ર પર્વ નિમિત્તે વાંસદા સ્થિત સર્કિટ હાઉસ ખાતે એક અત્યંત ભાવુક અને સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 140 થી વધુ ગંગાસ્વરૂપ (વિધવા), નિઃસહાય યુવા અને વડીલ બહેનોના જીવનમાં આનંદ અને આશાનો નવો પ્રકાશ પથરાય તેવા આશયથી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ભાઈબીજની ભેટ તરીકે સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન સાડી વિતરણ વેળાએ અનેક બહેનોની આંખોમાં હરખ અને ભાવુકતાના આંસુ છલકાઈ આવ્યા હતા. ભાઈબીજના પાવન દિવસે ભાઈ તરીકે મળેલા આ સ્નેહને કારણે સર્કિટ હાઉસ ખાતે અત્યંત સ્પર્શી અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત બહેનોએ પોતાની વિવિધ સમસ્યાઓ, દુઃખ અને રજૂઆતો ધારાસભ્ય અનંત પટેલ સમક્ષ ખુલ્લા મનથી મૂકી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે બહેનના પવિત્ર પ્રેમ, સ્નેહ અને લાગણીનું સન્માન કરતો આ એક નાનકડો પ્રયાસ છે. મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે કે આ કાર્યથી આ તમામ નિઃસહાય બહેનોના જીવનમાં ખુશીઓ અને આશાનું નવું કિરણ પ્રગટે. આ ભાવપૂર્ણ આયોજનથી વાંસદા પંથકની નિઃસહાય બહેનોમાં ભાઈબીજના પર્વની ઉજવણીનો વિશેષ આનંદ અને સંતોષ જોવા મળ્યો હતો.











