AI ફોટોગ્રાફ

ખેરગામ: ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે લાંબા સમયથી ‘પોલીસ લોકદરબાર’નું આયોજન થતું ન હોવાની બાબતને ધ્યાને લઈ નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર દ્વારા નવસારી જિલ્લા પોલીસ અધીક્ષક (SP)ને લેખિત પત્ર પાઠવીને આ અંગે નિયમોનુસાર તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

ખેરગામ-બહેજ રોડ પર આવેલી ચિતુબાનો છાંયડો મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉ. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા ગત તા. 17 સપ્ટેમ્બર 2026 ના રોજ કલેક્ટર કચેરીમાં આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે ખેરગામ ખાતે લાંબા સમયથી લોકદરબાર યોજાયા નથી. પ્રજાના પ્રશ્નોના યોગ્ય અને ઝડપી નિરાકરણ માટે ખેરગામ પોલીસ સ્ટેશનમાં નિયમિતપણે પોલીસ લોકદરબારનું આયોજન કરવામાં આવે, આ બાબતે જરૂરી તપાસ થાય અને ભૂતકાળમાં યોજાયેલા લોકદરબારોની સંપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગણી કરવામાં આવી હતી.

આ રજૂઆતને ગંભીરતાથી લઈને નવસારી નાયબ કલેક્ટર દ્વારા તા. ૦૬ નવેમ્બર ૨૦૨૬ના રોજ સત્તાવાર પત્ર લખીને નવસારી પોલીસ અધીક્ષકને અરજીની વિગતો ધ્યાને લઈ જરૂરી પગલાં ભરવા આદેશ કરાયો છે. કલેક્ટર કચેરીના આ આદેશ બાદ હવે ખેરગામ તાલુકાના નાગરિકોમાં આશા જાગી છે કે આગામી સમયમાં નિયમિતપણે લોકદરબારનું આયોજન થશે, જેનાથી સામાન્ય જનતા પોતાની સમસ્યાઓ અને પ્રશ્નો સીધા જ પોલીસ તંત્ર સમક્ષ રજૂ કરી શકશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here